દાગીના સહિત 2.55 લાખનો મુદામાલ કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટના નારાયણનગરમાં ઘરફોડ ચોરી અંગે આજી ડેમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખી બેલડીને શાસ્ત્રી મેદાન પાસેથી દબોચી લઇ રોકડ, સોના-ચાંદીના દાગીના સહીત 2.55 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજકોટમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા મળેલી સૂચના અન્વયે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી બી બાસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાદવની રાહબરીમાં પીએસઆઈ એ એન પરમાર, વી ડી ડોડીયા, એમ કે મોવલિયા, એસ વી ચુડાસમાની જુદી જુદી ટિમો પેટ્રોલિંગમાં હતી.
ત્યારે નારાયણનગરમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર બેલડી શાસ્ત્રી મેદાન પાસે હોવાની સ્ટાફના અર્જુનભાઈ ડવ, વિશાલભાઈ દવે, ક્રિપાલસિંહ ઝાલા અને સંજયભાઈ અલગોતરને મળેલી બાતમી આધારે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં બંનેને દબોચી લઇ નામઠામ પૂછતાં શીતળાધારમાં રહેતો નિલેશ ગોપાલભાઈ વાઘેલા અને ભરત પોપટભાઈ પરમાર હોવાનું જણાવતા પોલીસે બંનેની જડતી લેતા બેલડી પાસેથી સોનાનો સેટ, સોનાની એક જોડી બુટી. સોનાના બે દાણા, ચાંદીના બે જોડી સાંકળા, ચાંદીનો જુડો, ચાંદીની 15 માછલી અને રોકડા 1100 સહીત 2,54,800નો મુદામાલ મળી આવતા કબ્જે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં નિલેશ 4 ગુનામાં અને ભરત 7 ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.