સંવેદનશીલ સરકારની પોલીસને શું આ શોભે છે?
હળવે હૈયે
– જગદીશ આચાર્ય
– જગદીશ આચાર્ય
દેશમાં આ શું ચાલી રહ્યું છે?શું મહાન ભારતવર્ષની ભવ્ય,પવિત્ર અને પ્રાચીન પરંપરાઓની કાંઈ કિંમત જ નથી?કેવો ભવ્ય આ દેશ હતો?કેવી ભવ્ય સિદ્ધિઓ હતી?અત્યારે ભલે આપણે રાફેલ જેવું વિમાન ફ્રાંસ પાસેથી ખરીદવું પડે પણ એક સમય હતો જ્યારે ભારત એ બાબતે આત્મનિર્ભર હતું.ભારતમાંથી લોકોને હરવા ફરવાનું મન થાય તો હવાઈ જહાજોમાં બેસીને સ્વર્ગનો આંટો મારી આવતા.મહાભારતના યુદ્ધમાં યોદ્ધાઓ તીર ના ટોપકા ઉપર અણુ શસ્ત્રો ચોંટાડીને દુશ્મનોના છક્કા છોડાવી દેતા. આપણે આજે હજારો વર્ષો પછી પણ એ સિદ્ધિઓની ગૌરવ ગાથા અવિરત ગાઈએ છીએ પણ એ જ મહાભારત કાળની અન્ય એક ભાતીગળ,સામાજિક અને ખેલ કુદની પરંપરાનું વર્તમાન શાસકોએ ગળું ઘોંટવાનું નિષ્ઠુર કૃત્ય કર્યું છે.
આ બધું લખવાની ફરજ પડે એવીએક ઘટના તાજેતરમાં રાજકોટમાં બની છે.હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી એક ધાર્મિક પરિવારમાં કેટલાક લોકો જુગાર રમતાં હતા ત્યાં પોલીસ પહોંચી. સોરી,પહોંચી શું ત્રાટકી.(પોલીસ હંમેશા ત્રાટકતી જ હોય છે.)ઝાંબાઝ પોલીસ ત્રાટકી છે એ ખબર પડતાં જ ત્રણ ગભરૂ ખેલંદાઓ અગાશી ઠેકયા અને તેમાં નીચે પડ્યા તો ત્રણેના ટાંટિયા ભાંગ્યા.
- Advertisement -
આ હૃદય વિદારક ઘટના એ વાતની ગવાહી પુરે છે કે આ સરકાર હજુ હોવી જોઈએ એટલી સંવેદનશીલ નથી બની.સરકારને ભારતની પ્રાચીન પરંપરાઓની કાંઈ ખબર જ નથી.પોલીસવાળા ભાઈઓ પણ કાંઈ ભણ્યા ગણ્યા વગર કે વાંચ્યા વગર પાસ થઈ ગયા હશે એવી શંકા પણ દેખીતી રીતે જ ઉપજે છે.એ બધાને જો પ્રાચીન ગ્રંથોનું જાજું નહીં ને પ્રાથમિક જ્ઞાન હોત તો પણ એમને સમજાત કે જે જુગારની રમત સામે તેઓ આટલો બધો ક્રોધ દાખવે છે એ તો આપણો ભવ્ય પ્રાચીન વારસો છે.
આ પ્રાચીનતમ રમતની જે ઘોર અવગણના કરવામાં આવી છે એ આ મહાન લોકશાહી દેશને લગીરેક શોભા નથી આપતું.જુગારની રમત રમવા ઉપર કાળા કાયદા દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.એક મહાન સ્પોર્ટસનું ગળું ટુંપી દેવામાં આવ્યું છે.કાયમ હાથ જોડીને બેઠી રહેતી પોલીસ પણ જુગારનું નામ આવે એટલે થનગનવા લાગે છે અને પુરા જોશથી ત્રાટકે છે.
કેવો અન્યાય?કેવી વીટંબણા?,નહીંતર જુઓ,એક સમયે જ્યારે પૃથ્વી ઉપર સતયુગની ધ્વજા ફરકતી હતી ત્યારે આ ગ્રેટ સ્પોર્ટસ નો કેવો દબદબો હતો?એના કેટલા માનપાન હતા.અત્યારે જે સ્થાન ક્રિકેટનું છે એ સ્થાન એ સમયે જુગારનું હતું.લોકો પુરા જોશથી જુગાર રમતાં. રંગે ચંગે જુગાર રમી શકાતું.જાહેરમાં છડે ચોક,ખુલ્લેઆમ રમી શકાતું.ગામે ગામ જુગારની સ્પર્ધાઓ થતી.જુગાર રમવા માટે બકાયદા આમંત્રણ અપાતા. જુગારની ટુર્નામેન્ટ જોવા માટે હજારો લોકો ઉમટી પડતાં.
- Advertisement -
વાત આટલેથી જ નથી અટકતી. જુગાર એ તો ભારતવર્ષની રાષ્ટ્રીય રમત હતી.રાષ્ટ્રહિતના અતિ અગત્યના નિર્ણયો જુગારની રમત થકી નક્કી થતાં. આજે જ્યારે કળિયુગમાં જુગાર અને જુગારીઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે ત્યારે અત્રે એ યાદ અપાવવું ખાસ જરૂરી છે કે જુગાર એ માત્ર રમત જ નહોતી,એ એક ધાર્મિક કૃત્ય પણ હતું.
આ અમારો ઘરનો દાવો નથી.આ અમે ફેંકતા નથી.અમે ફેંકુ નથી.મહર્ષિ વેદ વ્યાસ દ્વારા માન્યતા પ્રાપ્ત આ હકીકત છે.પાંડુ રાજાના પાંચ પુત્રો પૈકીના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર ધર્મરાજા તરીકે જ ઓળખાતા હતા.એમનું એક પણ કૃત્ય અધાર્મિક ન હોય શકે.એ યુધિષ્ઠિર પણ જુગારના શોખીન હતા. જુગારને એ સમયે દ્યુત કહેવાની પ્રથા હતી.યુધિષ્ઠિર જુગારના શોખીન હતા અને એમાં કોઈને કાંઈ અજુગતું ન લાગતું.કારણ કે જુગારતો બધા રમતાં. કૌરવોએ એમને દ્યુત રમવા નિમંત્રયા ત્યારે કાયદેસર ઇનવીટેશન કાર્ડ મોકલ્યા હતા. આમંત્રણ આપવા માટે દૂતો ગયા હતા.અત્યારે જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સ્પર્ધા યોજાય છે એ પ્રકારની એ સ્પર્ધા હતી. આમંત્રણ મળ્યા પછી યુધિષ્ઠિર જુગાર રમવા ગયા ત્યારે …
અત્યારે કળિયુગમાં આપણે લાચાર મનુષ્યોને ઘરેથી ખોટું બોલીને છાના છપના જુગાર રમવા જવું પડે એવી લાચારી યુધિષ્ઠિરને નહોતી અનુભવવી પડી.કારણકે જુગારની સ્પોર્ટને પવિત્ર કર્મ માનવામાં આવતું હતું.તેઓ તો છડેચોક,રજવાડી રથમાં સવાર થઈ ચાર નાના ભાઈઓ અને ઘરવાળાને સાથે રાખીને ગયા હતા.જ્યાં જુગાર રમાયો એ પણ કોઈ ગામડાંની સીમમાં આવેલી વાડી નહોતી.રાજસભામાં પાટલા મંડાયા હતા.ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ સહિતના મહાન આર્યો સ્પર્ધા જોવા ઉમટી પડ્યા હતા.સુપુત્ર દુર્યોધન જુગાર રમવાનો હતો એટલે બાપુજી ધૃતરાષ્ટ્ર આંખે ન દેખાતું હોવા છતાં ગોગલ્સ પહેરીને ગોઠવાઈ ગયા હતા.(આજે તો એ ભવ્ય સંસ્કૃતિ ભૂલી ગયેલા વર્તમાન સમયના અન્યાયી પપ્પાઓ પોતે ખાનગી મહેફિલોમાં નિરાંતે પાનાં ટીચતાં હોય છે પણ જો ખબર પડે કે પુત્રે પણ ક્યાંક પાટલા માંડ્યા છે તો રજનું ગજ કરી નાખે છે.એ સંસ્કારી સમયમાં આવા બેવડા ચાલ ચરિત્ર વાળા પપ્પાઓ કે વડીલો નહોતા તેની નોંધ પણ ઇતિહાસે લેવી જ પડશે.)
જો કે કૌરવો વિરૂદ્ધ પાંડવો વચ્ચેની એ ગેમ વનસાઈડેડ થઈ ગઈ હતી.કૌરવો પાસે શકુની નામે અઠંગ જુગારી હતો.કૌરવો તમામ રાઉન્ડ જીતી ગયા.બાપડા યુધિષ્ઠિર ફોલોઓન ઉપર ફોલોઓન થતા ગયા અને અંતે દ્રૌપદીના ચીર પુરવા માટે કૃષ્ણ ભગવાને સાડીઓનો જથ્થો ખાલી કરવો પડ્યો.યુધિષ્ઠિર ઘરબાર વગરના થઈ ગયા તો’ય બીજી વખત પણ જુગાર રમવા બેસી ગયા હતા.
પણ એ નોંધવું જરૂરી છે કે જુગાર રમવાને કારણે યુધિષ્ઠિરનો રથ જમીન ઉપર નહોતો આવી ગયો.એ પછી પણ જ્યારે કૃષ્ણ ભગવાન તેમને મળ્યા ત્યારે ,”અલ્યા,જ્યેષ્ઠ ભ્રાતા, આ જુગારની લત મુકો,હું દર વખતે સાડલા નહીં પહોંચાડું “..એવો કોઈ ઠપકો નહોતો આપ્યો.
પોલીસવાળા સાહેબો!વાત આટલેથી જ નથી .પાંડવો વનવાસ ભોગવતા હતા ત્યારે બૃહદશ્વ નામના એક સિદ્ધ મુનિ પાસેથી યુધિષ્ઠિર પાસા ફેંકવાની વિદ્યા શીખી દ્યુતની રમતમાં હાઇલી કવોલીફાઇડ ખેલંદા બન્યા હતા અને એ કવોલીફિકશનના આધારે જ દ્યુત વિદ્યાના નિષ્ણાંત તરીકે વનવાસના છેલ્લા વર્ષમાં તેમને વિરાટ રાજાને ત્યાં નોકરી મળી હતી. પોલીસબંધુઓને હજુ વધારે પુરાવા જોતા હોય તો એ પણ યાદ આપવું કે મહાભારત પૂર્વે હજારો વર્ષ પહેલાં પણ નળરાજા જુગારમાં જ દેવી દમયંતીને હારી ગયા હતા.આ બધું સાબિત કરે છે કે ભારત વર્ષનો જેને શ્રેષ્ઠ કાળ ગણવામાં આવે છે એ મહાભારત તથા તે પૂર્વેના સમયની સૌથી વધુ લોકપ્રિય અને સત્તાવાર સ્પોર્ટ્સ તરીકેનું બહુમાન જુગારની રમતને મળ્યું હતું.
કાળક્રમે અન્ય નાના પ્રકારની રમતોના આક્રમણને કારણે આ રમતનું મહત્વ ઘટતું ગયું.ભારતીય સંસ્કૃતિના દુશમનો દ્વારા આ પ્રાચીનતમ રમતને રહેતા રહેતાં તો કાયદાની નિર્દય એડી હેઠળ કચડવાનું શરૂ કરાયું.પણ આમ છતાં લોકહૃદયમાં આ રમતનું સ્થાન યુગો પૂર્વે હતું એટલું જ અવિચળ અને પૂજનીય છે.જ્યાં જુગાર રમાય છે એ સ્થળને આજે પણ તીર્થધામનો દરજ્જો અપાયો છે.ક્રિકેટ રમાતું હોય એ સ્થળને સ્ટેડિયમ કહેવામાં આવે છે,બેડમિન્ટન કે ટેનિસની રમતો રમાતી હોય એ સ્થળને કોર્ટ કહેવામાં આવે છે,રાજકારણની રમતો રમાતી હોય તે સ્થળોને સંસદ અને વિધાનસભા કહેવામાં આવે છે પણ જ્યાં જુગાર રમાતો હોય એને તો જુગરધામ કહેવામાં આવે છે.હિન્દુઓના પવિત્ર ચારધામ પછી જો કોઈ અન્ય ધામ હોય તો તે એકમાત્ર જુગરધામ છે એવું દેશના અજ્ઞાની ભાઈઓ ઔર બહેનોને યાદ અપાવ્યા વગર હું રહી શકતો નથી.
જુગારની રમત મહાનતમ હોવા છતાં,અતિ લોકપ્રિય હોવા છતાં,વિશ્વના ખૂણે ખૂણે રમાતી હોવા છતાં એ રમતની પોતાની ખાનદાની, એની નમ્રતા,નિરાભિમાનીપણું અને સાદગી સમાજ માટે પ્રેરણાદાયક છે.જુગારની રમત રમવા માટે કોઈ લાયકાતની જરૂર નથી.મોંઘાદાટ સાધન સરંજામની જરૂર નથી.એ રમવા માટે પીચ કે મેદાનો તૈયાર કરવા પડતાં નથી.અમ્પાયરો કે રેફરીની જરૂર નથી પડતી.એ કોઈ પણ સમયે રમી શકાય છે.ઈનફેક્ટ આ એક જ રમત એવી છે જે ચોવીસ કલાક રમી શકાય છે.જેવી જેની સ્ટેમીના.ટીમમાં ન્યૂનતમ કે મહત્તમ ખેલાડીઓ હોવા જોઈએ એવા કોઈ નિયમોમાં આ રમત બંધાઈ નથી.ઓછામાં ઓછા બે થી માંડીને વધારેમાં વધારે જેટલા જોડાઈ શકે એટલા લોકો એક જૂથમાં કે અલગ અલગ જૂથમાં અવિરત જુગાર રમી શકે છે.જુગાર સાચા અર્થમાં બિનસંપ્રદાયિકતા,સર્વધર્મ સમભાવ અને સમજવાદનું પ્રતીક છે.ઉચ નીચના સંકુચિત ભેદભાવો આ પવિત્ર રમતને અભડાવી શક્યા નથી.
પુરુષ-મહિલા,ગરીબ-તવંગર, કર્મચારી-માલિક, શિક્ષક-શિષ્ય,બાપ-દીકરો..બધા આ રમત રમી શકે છે.
આપણે બધા એક યા બીજા સ્વરૂપે સતત જુગાર રમતાં જ રહીએ છીએ. લોકશાહીમાં ચૂંટણી એ મોટામાં મોટું જુગાર પર્વ છે.જિંદગીમાં પણ લોકો લગ્ન વિગેરે પ્રસંગોએ જુગાર જ રમતાં હોય છે.
કાયદાના પ્રતિબંધ છતાં જુગારની રમત પોતાનું સ્થાન અડગ રાખી શકી છે.એટલું જ નહીં દિન પ્રતિદિન આ રમત વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે…
ચાલો,આ બધું તો મજાકમાં લખ્યું. શ્રાવણમાં પરિવારના સભ્યો “ઝીણી ઝીણી” રમે ત્યાં સુધી ઠીક છે.બાકી એ કદી ભૂલવું નહીં કે જુગાર વિનાશ જ નોતરે છે.પૌરાણિક કથાઓમાંથી પ્રેરણા લેવી હોય તો એ લેવાય કે ધર્મરાજા જેવા ધર્મરાજા પણ જુગારને કારણે ઘરબાર વગરના થઈ ગયા હતા. યાદ રાખજો!કૃષ્ણ ભગવાન આખી દુનિયાના પુરુષોની પત્નીઓ માટે સાડીના જથ્થા લઈને તૈયાર નહીં બેઠા હોય.ઘર બાર અને બૈરી છોકરાઓનું હિત હૈયે હોય તો જુગાર કદી રમવું નહીં..