ઠંડીમાં વધઘટના કારણે શિયાળુ પાકને નુક્સાન થવાની ભીતિ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં ગયા અઠવાડીયામાં ઠંડીનું જોર વધ્યાં બાદ ફરી એકવાર વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હાલ વહેલી સવારે ઠંડી જ્યારે દિવસે ગરમી એમ એક જ દિવસમાં બે ઋતુનો અનુભવ થવા લાગ્યો છે જેના કારણે એક તરફ લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચી છે તો બીજી તરફ શિયાળુ પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ઘઉં, રાયડો અને ચણા સહિતના પાકોમાં અલગ અલગ પ્રકારની બીમારી જોવા મળી શકે. રાજ્યમાં ગયા સપ્તાહમાં આકરી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. બે ત્રણ દિવસ દરમિયાન તો સિઝનની સૌથી વધુ ઠંડી 12 ડિગ્રી સુધી પહોંચી હતી. તો ફરી એકવાર ઠંડીનું જોર ઘટયું હતું અને ફરી દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયો હતો. આ વર્ષે શિયાળો સામાન્ય દિવસો કરતાં મોડો શરૂ થયો છે અને તેમાં પણ દર વર્ષે જે પ્રમાણે ઠંડીનો અનુભવ થતો હોય છે તે મુજબ ઠંડી પડતી નથી. હવામાન વિભાગ દ્વારા મહતમ તાપમાન 29 ડિગ્રી સુધી વધે અને ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય અને ધુમ્મસ છવાય તેવી સંભાવના છે જ્યારે સવારે ઠંડી અને દિવસે ગરમી થવાના કારણે જિલ્લામાં 1.23 લાખ હેક્ટરમાં વાવેતર થયેલા શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેમાં ચણાના પાકમાં લીલી લશ્કરી ઇયળનો ખતરો તોળાઈ રહ્યો છે તો રાયડાના પાકમાં ભૂકી છારા કે ચૂંસિયા જીવાત સહિતનો ઉપદ્રવ વધવાની સંભાવના છે.
- Advertisement -

આ ઉપરાંત ધુમ્મસ છવાય તો ઘઉંના પાકને ફાયદો થવાની શક્યતા વધી જશે જ્યારે સૂકી ખેતી સંશોધન કેન્દ્ર દ્વારા લસણના પાકમાં પાનનો સુકારો થવાની શક્યતાને ધ્યાને લઇ લસણના પાકમાં 30 દિવસે 54 કિલો ગ્રામ યુરિયા ખાતર આપવાની સલાહ અપાઇ છે. ચણાના પાકમાં લશ્કરી ઈયળ સામે રક્ષણ માટે પક્ષીને બેસવા ટી આકારના બેલખાડા મુકવા જણાવ્યું છે. આ સિવાય ઘઉં, રાયડો, લસણ સહિતના પાક માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ માટે મેઘદૂત નામની એપ્લીકેશન તેમજ સૂકી ખેતી સંશોધન કેન્દ્ર તરઘડિયાનો સંપર્ક કરવા કૃષિ વિશેષજ્ઞ ડો. વી. ડી. વોરાએ જણાવ્યું હતું.



