ખાસ-ખબર સંવાદદાતા
ફૂટબોલપ્રેમીઓ જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે ફિફા વર્લ્ડકપ-2022નો આવતીકાલથી કતારમાં ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ ભારત સહિત આખી દુનિયામાં ‘ફીફાફિવર’ છવાઈ જશે અને 29 દિવસ સુધી રમતપ્રેમીઓને 32 ટીમો વચ્ચે એક એકથી ચડિયાતા 64 જેટલા મુકાબલા જોવા મળશે.
કાલે રાત્રે 9:30 વાગ્યાથી યજમાન કતાર-ઈક્વાન્ડોર વચ્ચેની મેચથી ટૂર્નામેન્ટનો સત્તાવાર પ્રારંભ થશે. જો કે તેના પહેલાં સાંજે 7:30 વાગ્યાથી 60,000 જેટલા દર્શકોની ઉપસ્થિતિમાં ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં દુનિયાના ટોચના કલાકારો શીરકત કરશે. અંદાજે 30 લાખની વસતી ધરાવતો કતાર (11500 વર્ગ કિમી) વિશ્વકપની મેજબાની કરનારો સૌથી નાનો દેશ છે. તમામ આઠ સ્ટેડિયમ દોહાથી 50 કિલોમીટરના દાયરામાં છે.
આ વખતના વર્લ્ડકપમાં પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝીલ, બે વખતની વિજેતા આર્જેન્ટીના, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સને વિશ્વકપનું પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે. એવી પણ સંભાવના છે કે આ વખતે કોઈ ટીમ મોટો ઉલટફેર કરીને સૌને ચોંકાવતાં ચેમ્પિયન બની જાય !
- Advertisement -
આ વખતના વર્લ્ડકપમાં ત્રણ મહિલા રેફરી મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ રેફરીમાં જાપાનની યોશિમી યામાશિતા, ફ્રાન્સની સ્ટેફની ફ્રેવાર્ટ અને રવાન્ડાની સલીમા મુકાસંગા છે. ત્રણ સહાયક રેફરી બ્રાઝીલની નુજા બૈક, મેક્સિકોની કરેન ડિયાઝ અને અમેરિકાની કેથરીન નેસ્બીટનો પણ સમાવેશ થાય છે.
કોરોના બાદ દરેક ટીમને ત્રણની જગ્યાએ પાંચ ખેલાડી બદલવાની પરવાનગી આપવામાં આવી છે. વિશ્વકપથી જ આ નિયમ લાગુ કરવામાં આવશે. પહેલીવાર વર્લ્ડકપ નવેમ્બર-ડિસેમ્બરમાં રમાઈ રહ્યો છે. સામાન્ય રીતે તેનું આયોજન જૂન-જૂલાઈમાં થતું હોય છે. ફૂટબોલ વર્લ્ડકપમાં આ વખતે 32 ટીમો વચ્ચે 29 દિવસ સુધી 64 મુકાબલા રમાશષ એટલા માટે એક જ દિવસમાં અનેક મેચો રમાતી જોવા મળશે. પ્રથમ મેચ ઈક્વાડોર-કતાર વચ્ચે કાલે રાત્રે 9:30 વાગ્યે રમાશે. જ્યારે દિવસમાં ચાર મુકાબલા રમાશે જેનો ભારતીય સમય બપોરે 3:30, સાંજે 6:30, રાત્રે 9:30 અને રાત્રે 12:30 વાગ્યાનો રહેશે. ગ્રુપ સ્ટેજના અંતિમ રાઉન્ડના આઠ મુકાબલા રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે. આ તમામ મેચનું પ્રસારણ સ્પોર્ટસ-18 અને સ્પોર્ટસ-18 એચડી ચેનલ પર થશે જ્યારે ઑનલાઈન સ્ટ્રિમિંગ જિયો સિનેમા ઉપર કરવામાં આવશે.
બીકીની-બિયર-સેક્સ ઉપર સજ્જડ પ્રતિબંધ: નિયમભંગ બદલ સજા-એ-મોત !
આવતીકાલે ફીફા વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તેમાં ઘણું બધું અલગ જોવા મળશે. લગ્ન વગર સેક્સ અથવા વન નાઈટ સ્ટેન્ડનો નિયમ અત્યંત મહત્ત્વનો છે. ફીફા વર્લ્ડકપની આ એડિશનમાં આયોજકોને આશા રહેશે કે કતારની સંસ્કૃતિનું સન્માન થશે અને કાયદાનું પાલન કરવામાં લોકો સહયોગ આપશે. આ વર્ષના વર્લ્ડકપમાં નિશ્ચિત રૂપે કોઈ પ્રકારનું વન નાઈટ સ્ટેન્ડ નહીં હોય. કોઈ પાર્ટી નહીં થાય. જો નિયમનો ભંગ થશે તો તાત્કાલિક જેલમાં પૂરી દેવામાં આવશે. કતારમાં લગ્ન વગર સેક્સ કરનારા લોકોને સાત વર્ષની સજાની જોગવાઈ છે.
- Advertisement -
અને આ નિયમ વર્લ્ડકપ દરમિયાન પણ અમલમાં રહેશે. આ ઉપરાંત કોકેઈન જેવા ડ્રગ્સની તસ્કરી કરનારા વ્યક્તિને મોતની સજા આપવામાં આવે છે. આ વખતે વર્લ્ડકપ દરમિયાન અલગ ફેનઝોનમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે.
– 29 દિવસ સુધી એક એકથી ચડિયાતા મુકાબલા: 32 ટીમો વચ્ચે રમાશે 64 મેચ
– બ્રાઝીલ, આર્જેન્ટીના, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ સૌથી ‘ફેવરિટ’ ટીમ
– કાલે રાત્રે 9:30 વાગ્યાથી યજમાન કતર-ઈક્વાડોર વચ્ચે પ્રથમ ટક્કર
– આ વખતના વર્લ્ડકપમાં ત્રણ મહિલા રેફરી મહત્ત્વની ભૂમિકા ભજવશે
– ટીમને ત્રણની જગ્યાએ પાંચ ખેલાડી બદલવાની પરવાનગી
– પહેલીવાર વર્લ્ડકપ નવેમ્બર-ડિસેમ્બરમાં રમાઈ રહ્યો છે
– ભારતમાં મેચનું લાઈવ પ્રસારણ ‘સ્પોર્ટસ-18’ ઉપર,ઑનલાઈન સ્ટ્રિમિંગ જિયો સિનેમા એપ પર થશે
– ભારતમાં બપોરે 3:30, સાંજે 6:30, રાત્રે 9:30 અને મોડીરાત્રે 12:30 વાગ્યે મેચ જોઈ શકાશે