ખાસ-ખબર સંવાદદાતા
પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના ઝંડાથી લઇને ઇયરબડ સુધીની તમામ ચીજો ઉપર આગામી પહેલી જુલાઇથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(સીપીસીબી)એ આ વસ્તુઓનું ઉત્પાદન, પુરવઠો, સપ્લાઇ અને ઉપયોગ સાતે સંકળાયેલા તમામ પક્ષકારોને નોટિસ ઈશ્યૂ કરી છે.
આ તમામને 30 જૂન પહેલાં તેના માટેની તૈયારી પૂર્ણ કરી લેવા જણાવાયું છે. એક જ વાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકને પર્યાવરણ માટે અત્યંત ભયજનક માનવામાં આવે છે. આ પ્લાસ્ટિક ઘણો લાંબો સમય સુધી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. નુકસાનને જોતાં 2021મા કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ તેના પર પ્રતિબંધ મૂકવા માટે નોટિફિકેશન બહાર પાડયું હતું.
- Advertisement -
સીપીસીબીની નોટિસ અનુસાર એક જુલાઇથી પ્લાસ્ટિકની સ્ટિક ધરાવતા ઇયરબડ, ફુગ્ગામાં લાગતી પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિકના ઝંડા, કેંડી સ્ટિક, સુશોભનના કામમાં આવતાં થર્મોકોલ વગેરેનો પ્રતિબંધિત વસ્તુઓની યાદીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિકના કપ, પ્લેટ, ગ્લાસ, કાંટા, ચમચી, સ્ટ્રો, ટ્રે જેવી કટલરી આઈટમ, મીઠાઇના ડબ્બા પર લગાવાતું પ્લાસ્ટિક, પ્લાસ્ટિકના આમંત્રણ કાર્ડ, 100 માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતાં પીવીસી બેનર વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે.