ખાસ-ખબર સંવાદદાતા
લક્ષદ્વિપના દરિયાકાંઠેથી રૂ. 1,500 કરોડથી વધુના મૂલ્યની 218 કિલો હેરોઈન ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરતી આંતરરાષ્ટ્રીય દાણચોરોની એક ગેંગ પકડાઈ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને લક્ષદ્વિપમાં રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ટીમને સફળતા મળી હતી. લક્ષદ્વિપમાં રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગ (ડીઆરઆઈ)એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને મે મહિનાના બીજા-ત્રીજા સપ્તાહ દરમિયાન તામિલનાડુના દરિયાકાંઠાથી આવશે અને અરબી સમુદ્રમાં કોઈક જગ્યાએથી ડ્રગ્સનો મોટો જથ્થો મેળવશે તેવી ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે કોસ્ટ ગાર્ડ સાથે મળીને ડીઆરઆઈએ ’ઓપરેશન ખોજબીન’ નામનું એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. બંને વિભાગે 7મીમેથી આ ઓપરેશન હેઠળ કામ શરૂ કર્યું હતું અને કોસ્ટગાર્ડના શીપ સુજીતે દેશના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન નજીક ચાંપતી નજર રાખી હતી.
- Advertisement -
તોફાની સમુદ્રમાં સતત કેટલાક દિવસોની તપસા અને નિરીક્ષણ પછી બે શકમંદ બોટ્સ ’પ્રિન્સ’ અને ’લીટલ જીસસ’ ભારત તરફ આવતી હોવાનું જણાયું હતું. કોસ્ટ ગાર્ડ અને ડીઆરઆઈએ 18મીના રોજ લક્ષદ્વિપ ટાપુના દરિયાકાંઠે બંને ભારતીય બોટ્સને આંતરી હતી. આ બોટ્સના ક્રૂની પૂછપરછ કરતાં તેમણે સ્વીકાર્યું હતું કે તેમને દરિયામાંથી જંગી પ્રમાણમાં હેરોઈનનો જથ્થો મળ્યો છે. બંને બોટને વધુ કાર્યવાહી માટે કોચી લવાઈ હતી.કોચીમાં કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલયમાં બંને બોટની તપાસ કરતાં તેમાંથી પ્રત્યેક 1 કિલોના 218 પેકેટ મળ્યા હતા.



