બધું અતિરેક સાથે સહજસાધ્ય છે એટલે જ મોટાભાગનું બે-અસર બની ગયું છે
1978માં અમિતાભ બચ્ચનની મુકંદર કા સિકંદર ફિલ્મ રિલીઝ થઈ ત્યારની આ વાત છે. એ વખતે રાજકોટના યાજ્ઞિક રોડ પર ટાઈમ જ્વેલ નામની એક ઘડિયાળની શોપના માલિકનો યુવાન પુત્ર ઓડિયો કેસેટમાં ગીત ભરી આપવાનો સાઈડ બિઝનેસ કરતો હતો. આગળ-પાછળની સાઈડમાં એક કલાક વાગતી ઓડિયો કેસેટમાં જૂના ફિલ્મી ગીતો સોળ સમાઈ જતાં અને (રોતે હૂએ આતે હૈ સબ જેવા) નવા અગિયાર ગીતોનો સમાવેશ થતો. ગ્રાહકો ત્યારે નવા બાર-તેર ગીતોનું લિસ્ટ અને કોરી ઓડિયો કેસેટ આપી જતાં. મોહ એવો રહેતો કે એક ઓડિયો કેસેટમાં વધુમાં વધુ મનપસંદ ગીતો આવી જાય પણ ક્યારેક લિસ્ટ પૈકીનું એકાદ ગીત (જગ્યાના અભાવે) રહી જતું અને આ રીતે એક કસ્ટમરે આપેલી ઓડિયો કેસેટમાં એક ગીત રહી ગયું.
- Advertisement -
મોંઘી રેકોર્ડ લેવી દરેકને પરવડે નહીં, તેથી મેરે દિલ મેં આજ ક્યાં હૈ થી માંડીને અપની તો જૈસે તૈસે જેવા ગીતો વિવિધ ભારતી અને બિનાકા ગીતમાલામાં જ સાંભળવા માટે કાન મંડાયેલા રહેતા હતા
એ ગીત મુકંદર કા સિકંદરનું જ હતું : ઓ સાથી રે, તેરે બીના ભી ક્યા જીના…
પોતાના સૌથી ફેવરિટ ગીતનો જ સમાવેશ નથી થયો એ જાણ્યાં પછી કસ્ટમરના ટીનએજ પુત્રએ ટાઈમ જ્વેલ નામની એ દુકાનમાં ધમાલ બોલાવીને રોક્કળ કરેલી અને…
એ ટીનએજ બોય આપનો આ નાચીઝ લેખક હતો
કોઈ પથ્થર યુગની વાત લાગે તેવો આ પ્રસંગ છે અને એક્વીસમી સદીમાં જન્મેલાં અને આજે સ્માર્ટ ફોન મચડયાં કરતાં જુવાનીયાઓને તો ગળે પણ ઉતરશે નહીં કારણકે હવે આપણે અતિરેકની દુનિયામાં જીવનારાં પ્રાણી બની ગયા છીએ. 1970માં આવું કશું હતું નહીં. ફિલ્મો થિયેટરમાં જ જોવી પડતી અને એ ફિલ્મોની રિ-રિલીઝ પણ થતી હતી. હિટ હોય કે ફલોપ, ફિલ્મો ત્રણ શોમાં રન થયા પછી બપોરના એકસ્ટ્રા શોમાં અને પછી મોર્નિગ શોમાં શિફટ થતી હતી. આજની જેમ એક્સાથે આખા ભારતમાં ફિલ્મ રિલીઝ પણ નહોતી થતી. નસીબ (મનમોહન દેસાઈ) અમદાવાદમાં જઈને જોઈ આવેલાં પછી ગોંડલ કે રાજકોટમાં કોલર ઊંચો કરીને ફરતાં કે આ મલ્ટીસ્ટારર ફિલ્મ અમે તો જોઈ લીધી છે. થિયેટરની બુકિંગ વિન્ડો પર સેંકડો લોકો એડવાન્સ બુકિંગ માટેની લાઈનો લગાડતાં અને ત્યારે…
માત્ર 4પ, 78 અને 90 આરપીએમની લોંગ પ્લે રેકોર્ડ (જે તાવડી વાજાં પર જ વાગતી) બનતી હતી અને એ જ દશકામાં ભારતમાં ઓડિયો કેસેટનું આગમન થયું હતું. સિત્તેરના દશકામાં તો ટેપરેકોર્ડર અને ઓડિયો કેસેટ પણ દાણચોરી (કસ્ટમ ડયૂટી ગૂપચાવીને) થી આવતી હતી. ચોઈસ એક જ હતી. આમ જૂઓ તો ચોઈસ હતી જ નહીં. ફિલ્મો થિયેટરમાં જ જોવા મળતી અને તેનું ગીત-સંગીત સાંભળવા માટે હતી માત્ર લોંગ પ્લે રેકોર્ડ.
લગે હાથે જાણી લો કે એ વખતે સિંગલ સ્ક્રીન થિયેટરોમાં બાલ્કની, અપરસ્ટોલ અને થર્ડ કલાસ રહેતાં, જેની ટિકિટ ત્રણ રૂપિયાથી માંડીને પંચોતેર પૈસા સુધીની રહેતી. અમિતાભ બચ્ચન પહેલાં પથરાઈ ગયેલાં સુપરસ્ટાર રાજેશ ખન્નાની 1973માં દાગ ફિલ્મ આવેલી, તેની લોંગ પ્લે રેકોર્ડની કિંમત આશરે નેવું રૂપિયા હોવાનું સ્મરણમાં છે. ભૂલચૂક લેવી દેવી.
આવી મોંઘી રેકોર્ડ લેવી દરેકને પરવડે નહીં, તેથી મેરે દિલ મેં આજ ક્યાં હૈ થી માંડીને અપની તો જૈસે તૈસે જેવા ગીતો વિવિધ ભારતી અને બિનાકા ગીતમાલામાં જ સાંભળવા માટે કાન મંડાયેલા રહેતા હતા.
એ જ દશકામાં ઓડિયો કેસેટનું આગમન થયું. ઐસીના દશકામાં જો કે ક્રાન્તિ જેવી એક ઘટના બની. જેમ કોરોનાના કારણે અચાનક નેટફલિક્સ, હોટ સ્ટાર, એમેઝોન જેવા ઓવર ધી ટોપ (ઓટીટી) પ્લેટફોર્મની માર્કેટ ખૂલ્લી ગઈ એવી જ એક ઘટના 1983માં બની અને આખો સિનારિયો બદલાઈ ગયો.
આજની જેમ એક્સાથે આખા ભારતમાં ફિલ્મ રિલીઝ પણ નહોતી થતી. નસીબ (મનમોહન દેસાઈ) અમદાવાદમાં જઈને જોઈ આવેલાં પછી ગોંડલ કે રાજકોટમાં કોલર ઊંચો કરીને ફરતાં કે આ મલ્ટીસ્ટારર ફિલ્મ અમે તો જોઈ લીધી છે. થિયેટરની બુકિંગ વિન્ડો પર સેંકડો લોકો એડવાન્સ બુકિંગ માટેની લાઈનો લગાડતાં હતા
- Advertisement -
કોરોનાના કારણે અચાનક નેટફલિક્સ, હોટ સ્ટાર, એમેઝોન જેવા ઓવર ધી ટોપ (ઓટીટી) પ્લેટફોર્મની માર્કેટ ખૂલ્લી ગઈ એવી જ એક ઘટના 1983માં બની અને આખો સિનારિયો બદલાઈ ગયો
જો આ ફિચર લેખને તમે માહિતી લેખ માનીને વાંચવાના હો તો આગળ ન વાંચવા માટે વિનંતી કારણકે એ માટે ગૂગલ દેવ અને વિકિપિડિયા મહારાજ, તમારા સ્માર્ટ ફોનમાં ઉપલબ્ધ છે જ. આ એક નોસ્ટાલજીક જર્ની પર લઈ જતું સફર નામું છે. ર0રરની ઉપલબ્ધિથી તો તમે વાકેફ છો જ, પણ એક્વીસમી સદીની જનરેશનને ખબર જ નથી કે આજે મનોરંજનથી માંડીને માહિતીના તમામ સ્ત્રોત હાથવગાં છે એવું ર001ના કચ્છ ભૂકંપ પહેલાં સુધી કશું જ સંભવ લાગતું નહોતું. દૂરદર્શનના જમાનામાં રામાયણ, મહાભારત, રજની અને યહ જો હૈ જિંદગી નું જ એકહથ્થું શાસન હતું તેમ કચ્છના ભૂકંપ (ર001) માં ખાનગી ચેનલોનો હજુ ઉદય થતો હતો અટલે આખો દેશ ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી ના અમર ઉપાધ્યાયના મૃત્યુના શોકમાં ગરકાવ હતો અને નવી નવી શરૂ થયેલી આજ તક ન્યુઝ ચેનલને ભૂકંપ ફળી જવાનો હતો પરંતુ એ વખતે કોઈને અંદાજો નહોતો કે મનોરંજન અને માહિતીના ઓવરડોઝનું પ્રચંડ વાવાઝોડું હવામાં હતું અને નજીકના ભવિષ્યમાં એ જમીની સ્તર પર પ્રભાવ પાથરવાનું હતું…
એ સમયે આપણે ઓડિયો કેસેટમાંથી વિડિયો સીડીના વિશ્વમાં પગરણ કરી ચૂક્યા હતા. વાયા, વિડિયો કેસેટ.
આમ જૂઓ તો, (ઓડિયો કે વિડિયો) કેસેટ શબ્દ આપણી જિંદગીમાં લગભગ બે દશકા (1980 થી ર000) સુધી રહ્યો. ઓડિયો કેસેટનો પરચમ લહેરાયો 1983 પછી. એ વરસે જ દિલ્હીમાં જ્યૂસ સેન્ટર ચલાવતાં-ચલાવતાં, ઓડિયો કેસેટમાં ગીત ભરી આપતાં ગુલશનકુમારની ટી સિરિઝ (સુપર કેસેટ પ્રા. લિ.) બ્રાન્ડની સસ્તી ઓડિયો કેસેટ માર્કેટમાં આવવા માંડી અને ઘર ઘરમાં તેનું ચલણ સહજ થઈ ગયું પરંતુ ઓડિયો કેસેટ સાથે ભાડું શબ્દ સંકળાયો નહોતો. એ વિડિયો કેસેટ અને વિડિયો કેસેટ રેકોર્ડર (વીસીઆર) સાથે આવ્યો. 1990ના દશકામાં ભારતીય સમાજને એ સુવિધા મળી કે ધારે ત્યારે (મોટા ભાગે રિલીઝ થઈ ગયેલી જૂની) ફિલ્મો જોઈ શકે. પચાસ રૂપિયામાં (બાર કલાક) વિડિયો કેસેટ રેકોર્ડર ભાડે મળતું, જેમાં બાર કલાક માટે વીસ-ત્રીસ રૂપિયાના ભાડે લાવેલી વિડિયો કેસેટમાંથી ફિલ્મો જોવાતી હતી પરંતુ વિડિયો કેસેટ કે વીસીઆરનો યુગ (પેજર અને એસટીડી પીસીઓની જેમ) લાંબો ન ચાલ્યો. એક્વીસમી સદીમાં વીસીડી (વિડિયો કોમ્પેકટ ડિસ્ક) આવીને પથરાઈ પણ એ ફેલાઈ ત્યાં જ ડીવીડી (ડિજિટલ વર્સેટાઈલ ડિસ્ક) અને તેના પ્લેયર આવી ગયા.
ક્રાંતિ અને પ્રગતિ પેન્ડેમિકની જેમ ફેલાવાની શરૂઆત થઈ ગઈ હતી. પહેલાં બે વીસીડીમાં એક ફિલ્મ આવતી પણ ર00પ થી ર010 વચ્ચે એક ડીવીડીમાં બે-ત્રણ અને આઠ-દશ ફિલ્મો મળવા લાગી હતી. એક પ્રસંગ યાદ આવે છે. ર00પમાં પાયરસીના એક અડૃા પરથી આ લેખકને હજાર ચોરાસી કી મા (જયા બચ્ચન) ફિલ્મ મળી હતી ત્યારે રાષ્ટ્રપતિ ચંક મળ્યો હોય તેવો આનંદ થયો હતો કારણકે 1998માં બનેલી એ કલાત્મક ફિલ્મ ગુજરાતમાં કદી રિલીઝ જ થઈ નહોતી. ડીવીડીના યુગમાં જ ભોપાલ એક્સપ્રેસ (ઈરફાન ખાન), અસંભવ (સઈદ જાફરી) અહેમક (શાહરૂખ ખાન) જેવી રેર અને ગુજરાતના થિયેટરનું મોં ન જોઈ શકનારી ફિલ્મો મળવા લાગી એટલે ફિલ્મ રસિકોને તો જાણે જેકપોટ લાગ્યા જેવો હરખ થયો પણ…
તમે નોંધ્યું ? છેલ્લાં વીસ વરસમાં એકપણ ઈલેકટ્રોનિક શોધને ટકી રહેવા માટે પૂરો એક દશકો પણ મળતો નથી. તમારા સ્માર્ટ ફોનનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. ટેકનોલોજી અને ઈનોવેશનની ગતિ એવી સુપરફાસ્ટ છે કે, તેનો ઉપયોગર્ક્તા (આપણે) હાંફી જાય. ઓડિયો કેસેટને ભંગાર વાડે નાખીને ઓડિયો સીડી અને પછી ચારસો-પાંચસો ગીત કે ચાર-પાંચ ફિલ્મોની ડીવીડીનું કલેકશન અભેરાઈએ ચડાવીને તમે ગીતો કે ફિલ્મોને હાર્ડ ડિસ્કમાં સંગ્રહ કરતા થયાં ત્યાં…
આવી ગયું ઓટીટી પ્લેટફોર્મ.
હવે બધું જ આ ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ યા યૂ ટયૂબ યા મ્યુઝિક એપમાં અવેલેબલ છે. બેશક, સંગીત, મનોરંજન અને માહિતી માટેની રઝળપાટ શૂન્ય થઈ ગઈ છે પણ શાંત ચિત્તે વિચારો તો સમજાશે કે બધું અતિરેક સાથે હાથવગું છે પરંતુ મોટાભાગનું બે-અસર થઈ ગયું છે. રેડિયો પર કે ચા ની હોટેલ પર રખાયેલાં જ્યૂક બોક્સ (જેમાં પચ્ચીસ પૈસા નાખી મનપસંદ ગીત સાંભળી શકાતું) માં વાગતું ગીત સાંભળીને પગ થંભી જતાં અને મન પ્રસન્ન થઈ જતું – એ ક્ષ્ાણો આપણા બધાની જિંદગીમાંથી કાયમ માટે છિનવાઈ ગઈ છે.
કશુંક આપણું હોવાનું, આપણી પાસે જ હોવાનું અથવા આકસ્મિકપણે મળી જવાનું જે થ્રીલ હતું, એ આપણી જિંદગીમાંથી ગાયબ છે. અતિરેક અને સહજસાધ્યની આ આડઅસર છે