કોંગ્રેસના આગેવાનોનું તંત્ર સમક્ષ આક્રમક રજૂઆત: ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી સહિત 16થી વધુ આગેવાનોની રજૂઆત; નિરાશ્રિતોને ફાળવેલી મિલકતોના દસ્તાવેજો કોઈપણ કારણ બતાવ્યા વગર અટકાવતા આર્થિક વ્યવહારો અટકી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના સિટી સર્વે વોર્ડ નં. 18 (સિટી સર્વે નં. 1145) માં આવેલી રેફ્યુજી કોલોની ક્વાર્ટર તરીકે ઓળખાતી વસાહતના મકાનોના વેચાણ દસ્તાવેજની નોંધણી સબ-રજીસ્ટ્રાર કચેરી દ્વારા લાંબા સમયથી અચાનક બંધ કરી દેવામાં આવી છે. આ ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે કોંગ્રેસના આગેવાનોનું એક મોટું પ્રતિનિધિમંડળ સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યું હતું.
કોંગ્રેસ આગેવાન ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીની આગેવાનીમાં દિલીપભાઈ આસવાણી, જગુભા જાડેજા, અશોકસિંહ વાઘેલા, ગૌરવ પુજારા, દીપક ભાટીયા, આશાનંદ મમતાની, હસન નાયલાણી, દીપકભાઈ સતિજા, હિતેશભાઈ મોટવાણી, કૃપાલભાઈ ગોગિયા, ભાર્ગવભાઈ ચગાણી, વિશાલભાઈ ચોટરાણી, પ્રકાશભાઈ લોકવાણી અને નરેન્દ્ર ભાઈ કેશવાણી સહિતના આગેવાનોએ રજૂઆત કરી હતી.
આગેવાનોએ જણાવ્યું હતું કે, આ મકાનો મૂળ ભારત-પાકિસ્તાન ભાગલા સમયે આવેલા નિરાશ્રિત રેફ્યુજી પરિવારોને 99 વર્ષની લીઝ પર ફાળવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ સરકારે લીઝ કેન્સલ કરી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી કોઈપણ કારણ કે નોટિસ વગર નોંધણી અટકાવી દેવાઈ છે. આ મિલકતનો કોઈ ભાગ એકવાયર પણ થયેલ નથી. દસ્તાવેજ નોંધણી બંધ થવાથી મિલકતધારકોના આર્થિક તેમજ સામાજિક વ્યવહારો અટકી પડ્યા છે. આગેવાનોએ તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા અને આદેશની લેખિત જાણ કરવા માંગણી કરી છે.



