ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા છેલ્લા 59 વર્ષોથી બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, સાર્વજનિક વાંચનાલય, રાહત દરે નોટબુક વિતરણ, નિ:શુલ્ક નિદાન- સારવાર કેમ્પ, જ્ઞાનયજ્ઞ, બાળમજુરી નાબુદી, વ્યસનમુક્તિ વિગેરે સેવા પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે.
- Advertisement -
ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઈ.સ. 1973માં નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્રનો પ્રારંભ થયો હતો. છેલ્લાં 53 વર્ષોથી આ સંસ્થા દ્વારા ઉનાળામાં અઢી માસ સુધી છાશ કેન્દ્રનું સંચાલન થાય છે. જેમાં પ્રતિદિન 200 જેટલા પરિવારોને (આશરે 1000 વ્યક્તિઓને) પરિવાર દીઠ દોઢ લીટર તાજી અને પૌષ્ટિક છાશનું નિ:શુલ્ક વિતરણ થાય છે. આ વર્ષે છાશ કેન્દ્રના 53માં વર્ષનો રામનવમીએ શુભારંભ થયો છે. આ સેવાયજ્ઞ છેલ્લા 53 વર્ષોથી સતત દર વર્ષે અવિરતપણે ચાલી રહ્યો છે. દર વર્ષે ઉનાળાના પ્રારંભે રામનવમીએ છાશ કેન્દ્રનો પ્રારંભ થાય છે અને જૂન માસમાં વરસાદ થઈ જાય ત્યારે છાશ કેન્દ્રનું સમાપન થાય છે. દાતાઓ, શ્રેષ્ઠીઓ, ભાવિકોને આ માનવ સેવાયજ્ઞમાં યથાશક્તિ સહકાર આપવા સંસ્થાએ અનુરોધ કર્યો છે. જેને માટે જંકશન પ્લોટ પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં રૂબરૂ અથવા મોબાઈલ નં. 9898318286 ઉપર સંપર્ક કરી શકાશે.,



