કેબીસીમાં 25 લાખની લોટરી લાગી કહી ગઠિયાએ પૈસા પડાવી લીધા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ભેંસાણ તાલુકાનાં ગળથ ગામે રહેતા પિતા,પુત્રને ગઠિયા ભટી ગયા હતાં. કેબીસીમાં રૂપિયા 25 લાખની લોટરી લાગી હોવાનું કહી ગઠિયાઓએ રૂપિયા 8.41 લાખ પડાવી લીધા હતાં. આ અંગે રેન્જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ ભેંસાણ તાલુકાનાં ગળથ ગામે રહેતા પરસોત્તમભાઇ મોહન ભાઇ ગજેરા પરિવાર સાથે ઘર હતાં. ત્યારે તેના પુત્રનાં મોબાઇલમાં એક વિડીયો આવ્યો હતો. જેમાં તમારો નંબર કેબીસી કંપનીમાં સિલેકટ થયો છે. તમને રૂપિયા 25 લાખની લોટરી લાગી છે. લોટરીની રકમ તમારા ખાતામાં જમા કરવવા માટે વિડીયોમાં આપેલા નંબર ઉપર સંપર્ક કરેવા કહેવામાં આવ્યું હતું.
પરસોત્તમભાઇનાં પુત્રએ તે નંબર ઉપર વોટસઅપ કોલ કરી વાત કરતા અજાણ્યાં શખ્સે પોતે કેબીસીમાંથી બોલે છે. લોટરીનાં 25 લાખ તમારા ખાતામાં જમા કરવા માટે તમારે સર્વિસ ટેકસ ભરવો પડશે. તેણે એકાઉન્ટ નંબર મેસેજ કરતા પરસોત્તમભાઇ અને તેના પુત્ર ગત તા. 27 ડિસેમ્બર 2021નાં ભેંસાણ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યાં હતાં. ત્યાં રોકડા રૂપિયા આપી 37150 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતાં. બાદ ગઠિયાએ લોટરીનાં બોગસ કાગળ મોકલ્યાં હતાં. બાદ આ નંબર પરનું વોટસઅપ બંધ કરી દેવા અને બીજુ કાર્ડ ચડાવવા કહ્યું હતું. બાદમાં જીએસટી, સિક્યુરીટી ચાર્જ,સીબીઆઇ ચાર્જ અને એકાઉન્ટ મોટું કરવા તેમજ લોટરીની રકમમાં 10 લાખ વધારો કરવા અને 51 લાખની કાર લાગી હોવાની પણ લાલચ આપી હતી. અને વિવિધ ચાર્જ પેઠે કુલ 8.41 લાખ રૂપિયા ખંખેરી લીધા હતાં.
ગઠિયાએ પરસોત્તમભાઇ પાસેથી 27 ડિસેમ્બર 2021 થી લઇ 18 જાન્યુઆરી 2022 સુધીમાં કુલ 16 વખત અલગ અલગ 12 બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યાં હતાં. બાદમાં લોટરીની રકમ મળી ન હતી. પોતે છેતરાયાની જાણ થતા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશને અરજી કરી હતી. જેના આધારે સાયબર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


