ફિક્સ ડિપોઝિટમાં પાકતી મુદતે પૈસા માંગતા કહ્યું ‘કંપની ખોટમાં ચાલે છે, પૈસા નહીં મળે’
એ ડિવિઝન પોલીસમાં ડિરેક્ટરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર રહેતા અને આરએમસીમાં સ્પોર્ટસ સંકુલમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા મહિલાએ પોતાના અને માતાના નામે એક ખાનગી કંપનીમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકેલ રૂ.5.20 લાખની રોકડ પાકતી મુદતે પરત નહીં આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા એ-ડિવિઝન પોલીસે કંપનીના ડિરેક્ટરો સામે ગુનો નોંધતા યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં રહેતા અને આરએમસીમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા રાખીબેન દિનેશભાઇ શાહએ યુનિક સ્વયમ મલ્ટિ સ્ટેટ મલ્ટિ પર્પસ કો-ઓપરેટિવ સોસાયટી લિ. યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા પ્રા.લિ.ના જવાબદાર ડિરેક્ટરો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાતેક વર્ષ પહેલાં તેને ફિક્સ ડિપોઝિટ કરવી હોય તેની બહેન પીનાબેનને વાત કરી હતી કે, કોઇ કંપની સારું વ્યાજ આપતી હોય તો તેને ફિક્સ ડિપોઝિટ કરાવવી છે. બાદમાં મારા બહેનના રેફરન્સથી ધનસુખભાઇ જેઠાભાઇ લોલવાણી, રાજેશભાઇ ગોવિંદભાઇ ચૌહાણને મળ્યા હતા અને મને વાત કરી હતી કે તેઓની કંપની યુનિક સ્વયમ મલ્ટિ સ્ટેટ મલ્ટિ પર્પસ કો-ઓપરેટિવ સોસાયટી લિ. નામની છે અને જે આર.બી.આઇ. દ્વારા રજિસ્ટર થયેલી છે. તેમાં બન્ને એજન્ટ હોય અને તેઓની કંપની ફિક્સ ડિપોઝિટનું સારું એવું વ્યાજ આપે છે. તો તમે અમારી કંપનીમાં તમારા પૈસા ડિપોઝિટ કરો અને અલગ-અલગ ડિપોઝિટના પ્લાન તથા ડિપોઝિટ કરેલ પ્લાન ચાર વર્ષ બાદ સરેન્ડર કરી શકાય તેમ મને સમજાવ્યું હતું દરમિયાન મારે અને મારી માતા રેખાબેનના રૂપિયા ડિપોઝિટ કરવા હોય જેથી ધનસુખભાઇ અને રાજુભાઇને મારું અને મારી માતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલો આપી હતી. બાદમાં મારા માતાના નામે સાડા છ વર્ષે ડબલ થશે તે પ્લાન તા.28-2-17ના રોજ મળી રૂ.એક લાખ રોક્યા હતા. અને જે પોલિસી તા.29-9-23ના રોજ પાકતી મદત પૂર્ણ થઇ બાદમાં તા.4-10-17ના રોજ મારા નામે દશ વર્ષે ત્રણ ગણા થશે તેમાં અલગ-અલગ પોલિસી મળી કુલ 15 હજાર રોક્યા હતા અને તેની પોલિસી તા.4-10-27ના રોજ પૂરી થતી હોય જે પોલિસીને સને 2022માં સરેન્ડર કરાવેલ છે અને બાદમાં તા.5-9-17માં ના રોજ મારા માતાના નામે 10 વર્ષે ત્રણગણા થશે તેમાં અલગ-અલગ પોલિસી મળી કુલ રૂ.1.75 લાખ રોકયા હતા.
પોલિસીની મુદત 2024માં જૂનમાં પૂર્ણ થઇ હતી જે ઉપરોક્ત મારા અને મારી માતાના નામની તમામ પોલિસી મળી કુલ રૂ.5.20 લાખનું રોકાણ કર્યું હોય અને પોલિસીઓમાંથી સરેન્ડર કરેલ તેમજ પાકતી મુદતની પોલિસીની ડિપોઝિટની રકમ મેળવવા માટે કંપનીની ઓફિસ માલવિયા ચોક પ્રમુખ સ્વામી આર્કેડમાં જતા જે ઓફિસના કર્મચારીઓએ મને કહ્યું કે, અમારી કંપની હાલ ખોટમાં ચાલે છે અને હાલ અમે તમારા ડીપોીટના રૂપીયા આપી શકશું નહીં અને તમારા રૂપિયા અમદાવાદ ખાતે અમારી કંપનીની મેઇન ઓફિસેથી તમારા ખાતામાં જમા થશે. જો કે રૂપિયા જમા ન થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં
આવી છે.



