કંપનીમાંથી 13 પેકેટ સોનાનાં કાઢી નવ લોકોનાં નામે લોન લીધી
ખાસ-ખબર સંવાદદાતા
કેશોદમાં મુથુટ ફિનકોર્પ લીમીટેડ કંપનીની બ્રાંચ આવેલી છે. અહીં ફરજ બજાવતા બ્રાંચનાં જોઇન્ટ કસ્ટોડિયન મહિલા કર્મચારીએ કંપનીની પૂર્વ મંજુરી વિના 13 પેકેટ સોનાનાં લોકરમાંથી કાઢી 9 વ્યક્તિનાં નામે લોન લઇ લીધી હતી. આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારી સામે રૂપિયા 47 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ કેશોદ બસ સ્ટેશન રોડ પર મુથુટ ફિનકોર્પ લીમીટેડ કંપની આવેલી છે. જેમાં સોના પર લોન આપવામાં આવે છે. થોડા સમય પહેલાં આ કંપનીના ઓડીટર દીપકભાઈ ગૌસ્વામીએ ઓડીટ કરાતાં લોકરમાંથી સોનાના દાગીનાના 13 પેકેટ ઓછા જોવા મળ્યાં હતાં. જેથી તેમણે સૌરાષ્ટ્ર બ્રાંચ બિઝનેશ ડેવલોપીંગનું કામ કરતાં રીજીયોનલ મેનેજર હિરેનભાઈ મહેતાને જાણ કરી હતી અને હિરેનભાઈએ ફાયનાન્સ કંપનીની કેશોદ બ્રાંચનાં જોઈન્ટ કસ્ટોડિયન મનાલીબેન પુંજાભાઈ કેડિયાતરની પુછપરછ કરી હતી. જેમાં ચોકાવનારી બાબત સામે આવી હતી.
કેશોદ બ્રાંચનાં જોઇન્ટ કસ્ટોડિયન મનાલીબેને કંપનીને જાણ કર્યા વિના કે પૂર્વ મંજુરી લીધા વિના સોનાનાં 13 પેકેટ લોકરમાંથી કાઢી લીધા હતા અને જુદાજુદા 9 લોકોનાં નામે લોન લઇ લીધી હતી.
તેમજ આ ફાયનાન્સ કંપનીમાં મહિલાએ પોતે કર્મચારી હોય લોન ન મળી શકે તેવી લાલચ આપી જુદાજુદા ગ્રાહકોના નામે 42 લાખની અને તેના સહકર્મી સમીરભાઈના નામે 5 લાખની લોન લઈ કુલ 47 લાખની છેતરપિંડી કરી હતી.
તેમજ ગ્રાહકોનાં નામે લોન કરવામાં આવી તે પૈકી અમુક ગ્રાહકનાં નામે એક કરતાં વધુ વખત લોન લેવામાં આપી હતી. આ અંગે મુથુટ ફિનકોર્પ લીમીટેડ કંપનીનાં રીજીયોનલ મેનેજર હિરેનભાઇ મહેતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં મનાલીબેન કોડીયાતર સામે રૂપિયા 47 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.