મહિલા સહિત છ વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જાણે હવે જમીન કૌભાંડોનું હબ બની ગયું હોય તેમ એક પછી એક જમીન કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે વધુ એક આવો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીની કિંમતી જમીન માટે ખોટા ખાતેદાર અને આધારકાર્ડ ઉભા કરીને ખોટો ભાગીદારી કરાર કરાવી રાજકોટના ધંધાર્થી સાથે 35 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે જેથી હાલમાં છેતરપિંડીનો ભોગ બનનાર જમીન મકાન લે વેચના રાજકોટના ધંધાર્થીએ મહિલા સહીત છ ઈસમો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં રહેતા અને જમીન મકાન લે વેચનો ધંધો કરતા મુકેશભાઈ પ્રાગજીભાઈ રાદડીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં મોરબીના વજેપરમાં આવેલી જમીનમાં બેઠી ભાગીદારી આપવાનું કહી મોરબીના રવાપરમાં રહેતા વિનુભાઈ તળશીભાઈ અઘારા સહિતના છ ઈસમોએ કાવતરું ઘડીને રૂપિયા 35 લાખની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત તમામ આરોપીઓએ સુનિયોજિત કારસો રચી મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ વકીલ વૈજંતીબેન વાઘેલાની ઓફીસમાં જમીનમાં ભાગીદારી આપવા માટેનો ખોટો કરાર કરી વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.1023/પૈકી-1/પૈકી-2 ની જમીનમાં ભાગીદારી કરવા મુકેશભાઈ પાસેથી 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
હાલ આ મામલે મુકેશભાઈ રાદડીયાએ મોરબીના રવાપરમાં રહેતા વિનુભાઈ તળશીભાઈ અધારા, જમીન માલિક ન હોવા છતાં ખોટા આધારકાર્ડને આધારે ખાતેદારની ભૂમિકા ભજવનાર જયાબેન વશરામભાઈ ડાભી, ખોટા ખાતેદારનો દીકરો ભરતભાઈ વશરામભાઈ ડાભી, મનસુખભાઈ ધનજીભાઈ પરમાર, મુકેશભાઈ નારણભાઈ કંઝારીયા અને દયારામભાઈ સતવારા (રહે. બધા મોરબી) વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે મહિલા સહીત છ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406, 420, 465, 467, 468, 471, 120(બી) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.