31 કરોડના ઓર્ડરની લાલચ આપી એક જ મહિનામાં 14 બેંક ખાતામાં જમા કરાવ્યા
3 ઈમેલ આઈડી ધારક, 14 બેંક ખાતા ધારક સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટના કિચનવેરના કારખાનેદારને ફસાવી 31 કરોડના માલનો ઓર્ડર આપી જુદા-જુદા ચાર્જીસના બહાને ઓનલાઈન 2 કરોડ 18 લાખ અલગ અલગ 11 બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવડાવી ઠગાઇ આચરવામાં આવી છે ગઠીયાઓએ નાઇઝીરીન ગવર્નમેન્ટના નામે આ છેતરપીંડી આચરતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના 150 ફુટ રીંગ રોડ પરના બીગ બઝારની પાછળ બ્રહ્મકુંજ સોસાયટીમાં રહેતાં અને મવડીના ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં સામુ ઇન્ડસ્ટ્રીઝના નામે કીચનવેર મેન્યુફેક્ચરીંગનું કારખાનુ ધરાવતાં ચમનલાલ હરખાભાઈ બોરાણીયા ઉ.68ની ફરિયાદ પરથી અલગ અલગ 14 બેંક ખાતાના ધારકો તથા 3 ઈમેલ આઈડીધારક તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. 5-6-2023ના રોજ મારા વહોટ્સએપ નંબર ઉપર પ્લસ નંબરના મોબાઈલમાંથી મેસેજ આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે તેને મારી કંપની જે વસ્તુનું મેન્યુફેકચરીંગ કરે છે, તેની ખરીદી કરવાની છે. આ માટે ઓર્ડર આપવાનો છે. સામાવાળાએ પોતાનું નામ વિલીયમ ફેંકલીગ જણાવ્યું હતું. તેમન તેની કંપનીના મેઈલ આડી પર અલગ-અલગ મેઈલ આઈડી પરથી ઈન્કવાયરી અને ઓર્ડર માટે મેઈલ કર્યા હતા. સાથો-સાથ 31 કરોડનો માલ ખરીદવા માટે ઓર્ડર આપ્યો હતો. પોતાની ઓળખ નાઈઝર ડેલ્ટા ડેવલપમેન્ટ કમિશન કે જે નાઈઝરીયાની ગર્વમેન્ટની બોડી છે તેના પ્રતિનિધિ તરીકે પણ આ શખ્સે આપી હતી આ ઓર્ડર નાઈઝરીયાની ગવર્નમેન્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
ત્યાર પછી એ શખ્સે મારી પાસેથી બીલ મંગાવી એડવાન્સ પેમેન્ટની વાત કરી 15,000 ડોલર સિકયુરીટી ટેકસ પેટે માંગ્યા હતા. બાદ બેન્ક ખાતામાં રકમ જમા કરાવી હતી. આ પછી વકિલની ક્ધસલ્ટીંગ ફી, સ્ટેમ્પ ડયુટી વગેરે જેવા જુદા-જુદા ચાર્જીસના બહાને અલગ-અલગ 14 બેન્ક ખાતામાં એકંદરે રૂ. 2.18 કરોડ ઓનલાઈન જમા કરાવડાવ્યા હતા પરંતુ આમ છતાં મને માલના ઓર્ડરની કોઈ રકમ નહીં મળતાં અને મેં જુદા-જુદા ચાર્જીસના નામે ઓનલાઈન ટ્રાન્સફર કરેલી રકમ પણ મને પરત નહીં મળતાં મારી સાથે ઠગાઇ થયાનું સમજાયું હતું. આ પછી મેં તા. 7-8-2023 ના રોજ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હવે સાયબર ક્રાઇમના હેડકોન્સ. દીપકભાઇ પંડિતે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીઆઇ એમ. એ. ઝણકાતે હાથ ધરી છે.