ઈગલ પેટ્રોલ પંપમાં પાંચ લીટરે 30થી 35 મિલિલીટર ઈંધણ ઓછું અપાતું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આજથી તોલમાપ ખાતાની રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તોલમાપ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે રાજકોટના ભીલવાસમાં ઇગલ પેટ્રોલ પંપ પર વજન અને માપ વિભાગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જ્યારે નિરીક્ષણ દરમિયાન માલૂમ પડ્યું કે ગ્રાહકો જે રકમ ચૂકવી રહ્યા હતા તેના કરતાં ઓછું ઇંધણ વિતરણ કરી રહ્યા હતા. અચાનક તપાસમાં જાણવા મળ્યું કે પેટ્રોલ પંપના સંચાલકો દર પાંચ લિટર પેટ્રોલ અથવા ડીઝલમાં આશરે 30-35 મિલિલીટરની કટકી કરતા હતાં.
સહાયક કાનૂની મેટ્રોલોજી નિયંત્રક બી. ડી. ચૌહાણના નેતૃત્વ હેઠળ વજન અને માપ ટીમે ભીલવાસમાં ઇગલ પેટ્રોલિયમ ખાતે ઇંધણમાં વિસંગતતાઓની ફરિયાદોને પગલે નિરીક્ષણ હાથ ધર્યું હતું. નિરીક્ષણમાં જાણવા મળ્યું કે પંપના નોઝલ ઇરાદાપૂર્વક ઓછી માત્રામાં પણ ઓછું ઇંધણ વિતરણ કરવા માટે ગોઠવવામાં આવ્યા હતા. પરિણામે અમે બે પેટ્રોલ અને એક ડીઝલ નોઝલ સીલ કરી દીધા છે અને વેચાણ બંધ કરી દીધું છે. કેસ દાખલ કરવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે.



