રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા દેશની હરણફાળ પ્રગતિ સાથે ગુજરાતમાં પણ દરેક પ્રકારે વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે તેવામાં શહેરી વિસ્તારને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા તથા પૌરાણિક સ્થળોને વધુ વિકાસશીલ બનાવવા માટે અમૃત 2.0 યોજના થકી ધ્રાંગધ્રા શહેરના પૌરાણિક સ્થળ જોગાસર તળાવ અને ગાર્ડનની વધુ વિકસિત બનાવવા માટે ચાર કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી. જે અંતર્ગત ધ્રાંગધ્રા શહેરના જોગસર તળાવની કાયા પલટ કરી તળાવ ફરતે સેફ્ટી ગ્રિલ અને બારે માસ તળાવ પાણીથી ભરેલું રાખવા માટેનું આયોજન હાથ ધરાયું હતું આ સાથે જોગાસર તળાવની બાજુમાં આવેલ ગાર્ડનમાં પણ બાળકો માટે જુદાજુદા રમત ગમતના સાધનો તથા જિમ માટેના સંસાધનો મૂકવામાં આવ્યા હતા. જોગાસર તળાવ અને ગાર્ડન વિકસિત કરી લોકો માટે ખુલ્લું મૂકવા રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આશરે ચાર કરોડના ખર્ચે જોગાસર તળાવ અને ગાર્ડનના લોકાર્પણ તેમજ સ્વચ્છ ભારત મિશન અને શહેરી વિકાસ યોજના આધારે 6.35 કરોડના કામનું મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે કુલ દસ કરોડના વિકાસના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા “જોગાસર તળાવની બંધાવનાર ધ્રાંગધ્રા સ્ટેટ રણમલસિંહજીને યાદ કર્યા હતા સાથે જ શહેરીજનો માટે ખુલ્લું મુકાયેલા ગાર્ડનને જાળવવાની જવાબદારી શહેરીજનોના શિરે હોવાનું જણાવી ધ્રાંગધ્રાની પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ, સુંદર તથા હરિયાળું બનાવવા શહેરીજનોને સંકલ્પ કરવા જણાવ્યું હતું.”
આ તકે મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા “ધ્રાંગધ્રા શહેરમાં દરરોજ પાણી વિતરણ વ્યવસ્થાને વખાણી હતી અને જોગાસર તથા ગાર્ડન સહિત અન્ય કામો જે હાલ પ્રગતિ તરફ છે તે તમામ પાછળ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરને ગણાવ્યા હતા.”
દશ કરોડના કામના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચૂંટાયેલા સભ્યો સહિતના આગેવાનો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.



