હાઈસ્કૂલને 50 વર્ષ થઈ જતાં ઇમારત જર્જરિત થઈ ગઈ હતી
શિક્ષણની મોટી મોટી વાતો કરતી સરકારને ગાલે લપડાક મારતા ગ્રામજનો
ખાસ-ખબર ન્યૂઝ જેતપુર
- Advertisement -
જેતપુર શહેરથી 17 કિમી દૂર મેવાસા ગામ આવેલ છે. આ ગામમાં વર્ષ 1975માં ગામલોકોએ એકઠા થઇ ફંડ એકઠું કરી હાઈસ્કૂલનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ હાઈસ્કૂલના નિર્માણમાં ફંડ ઘટતા ગામમાં જ એક ભાગવદ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં એકઠા થયેલા ફાળાથી ઇમારતનું કર્યા પૂર્ણ કરાવ્યું હતું. અને હાઈસ્કૂલની ઇમારત બની જતા લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય નામથી હાઈસ્કૂલનો પ્રારંભ થયો હતો. આ હાઈસ્કૂલને 50 વર્ષ થઈ જતા તેની ઇમારત જર્જરીત થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ માટે ભયજનક બની ગઈ હતી. જેથી ગામ લોકોએ હાઈસ્કૂલને ગામમાં જ આવેલ રામબાપા આશ્રમ નામની ધાર્મિક જગ્યામાં સ્થળાંતર કરી હતી. હાઈસ્કૂલ તો સ્થળાંતર થઈ ગઈ પરંતુ તે ધાર્મિક જગ્યા હોય ત્યાં કોઈને કોઈ ઉત્સવ ચાલુ હોય વિદ્યાર્થીઓનો અભ્યાસમાં ખલેલ પહોંચતી અને બીજીબાજુ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જો સ્કૂલની માલિકીની ઇમારત નહિ હોય તો હાઈસ્કૂલ બંધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ગામના સરપંચ ભાનુભાઈ સોલંકીએ જણાવેલ કે, હાઈસ્કૂલમાં મેવાસા ગામ સહિત જાંબુડી, હરિપર, વાળા ડુંગરા, જેપુર, ભાદરા, રબારીકા સહિતના પાંચથી છ જેટલા ગામોના વિધાર્થીઓ નિ:શુલ્ક અભ્યાસ કરે છે. અને હાઈસ્કૂલ બંધ થઈ જાય તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જાય કેમ કે, અહીં મોટાભાગે પછાત વર્ગના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હોય તેઓની બહારગામ અભ્યાસ કરવા જવાની ક્ષમતા ન હોય તેઓ હાઈસ્કૂલ બંધ થઈ જાય તો અભ્યાસ જ છોડી દયે. આવી સ્થિતિ નિર્માણ ન પામે તે માટે અમૃતલાલ રાદડિયા, જયેશભાઇ સાવલીયા, રવજીભાઈ રોકડ સર તેમજ ગોપાલભાઈ જાગાણી સહિતના લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકો એકઠા થયા અને હાઈસ્કૂલના નિર્માણ માટે ફાળો એકત્રિત કર્યો જે લગભગ ત્રીસ લાખ જેવી રકમ થઇ જતા હાઈસ્કૂલની ઇમારતનું કામ ચાલુ કરાવ્યું અને લગભગ છ વિશાલ રૂમ, હોલ, ઓફીસ તેમજ ફરતે કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ થયું અને તે નિર્માણ કર્યા પૂર્ણતાના આરે પહોંચ્યું તો હવે ફંડ પણ પૂરું થઈ જતા ગામલોકો ફરી મુંજાયા ત્યાં તેઓને યાદ આવ્યું કે હાઈસ્કૂલનું નિર્માણ ભાગવદ સપ્તાહ બેસાડી તેમાં એકત્રિત થયેલ ફંડથી કરવામાં આવ્યું હતું. તો હવે ઇમારતના નિર્માણ કાર્યમાં ઘટતી રકમ માટે ફરી ભાગવદ સપ્તાહ કરીએ તેવો નિર્ણય લેવામાં આવ્યો અને આજે કથા શરૂ થઈ તેનો પણ પાંચમો દિવસ છે અને હવે સ્કૂલ નિર્માણ ઉપરાંત સીસીટીવી કેમેરા, વૃક્ષારોપણ સહિતનું ફંડ એકઠું થઈ જતા હાઈસ્કૂલ નવા સત્રમાં વિધાર્થીઓના અભ્યાસ માટે તૈયાર થઈ જશે અને તેમાં ફરીથી વિદ્યાર્થીઓની કિલોલ પણ ગુંજવા લાગશે.