8 સપ્ટેમ્બરથી થનાર હેલ્મેટ ફરજિયાતના કાયદાથી નાગરિકો પણ ખુશ નથી
CMને પત્ર લખી રજૂઆત કરી કે, 15થી 20ની સ્પીડે ચાલતા વાહનના અકસ્માતમાં હેમરેજ થવાની શક્યતા નહીંવત
જ્યારે કોઈપણ વ્યક્તિ પત્ની અને બાળકો સાથે ખરીદી કરવા જાય ત્યારે હેલ્મેટની સમસ્યા વધી જાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ દ્વારા 8 સપ્ટેમ્બરથી ટુ વ્હિલર ચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવનાર છે, પોલીસ કમિશનરે આ જાહેરાત કરી ત્યારથી જ હેલ્મેટ સામે શહેરીજનોમાં કચવાટ વ્યાપી રહ્યો છે. અગાઉ પણ રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાતના પોલીસના પ્રયાસને સફળતા મળી ન હતી. આ કાયદાને અમલી બનાવવામાં હજુ એક મહિનાથી વધુનો સમય બાકી છે ત્યાં જ રાજકીય પક્ષોએ હેલ્મેટનો વિરોધ શરૂ કરી દીધો છે. ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય ગોવિંદ પટેલ મેદાને આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે, હેલ્મેટના કાયદામાંથી શહેરી વિસ્તારોને બાકાત રાખવામાં આવે. શહેરી વિસ્તારમાં વાહન 15થી 20 કિમીની ઝડપથી વધારે ચલાવવું શક્ય નથી. પતિ, પત્ની અને એક કે બે બાળકને લઈને બજારમાં ખરીદી કરવા માટે જાય ત્યારે તે હેલ્મેટ ક્યાં સાચવવું તે સમસ્યા ઉદભવે. 15થી 20ની સ્પીડે ચાલતા વાહન અકસ્માતમાં હેમરેજ થાય તેવી શક્યતા નહીંવત છે.
પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે કહ્યું છે કે, હાઈકોર્ટમાં હેલ્મેટના કાયદા અંગે કેટલીક રાહત માંગો તો તેનો ન્યાયિક ઉકેલ આવી શકે. જ્યારે સીન સપાટા કરી રીલ ઉતારનાર અને બેફીકરાઈથી ફુલ સ્પીડે ચલાવતા કોઈ વ્યક્તિનું અકસ્માત થાય તેવા કિસ્સાઓને બાદ કરતા બધા જ ટુવ્હિલરોને ભોગ બનવું પડે છે. જે વ્યાજબી નથી.



