ખાસ-ખબર સંવાદદાતા
સીબીઆઈએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણાના નજીકના સાથી આનંદ સુબ્રમણ્યમની ધરપકડ કરી લીધી. તેની થોડા વર્ષો પહેલાં NSEમાં થયેલી ગરબડ મામલે ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના અધિકારીઓએ શુક્રવારે આ અંગેની માહિતી આપી. તેમણે જણાવ્યું કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં અનેક પ્રકારના ગોટાળા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સીબીઆઈએ આનંદની ગુરૂવારે રાતે તેના ચેન્નાઈ ખાતેના ઘરેથી ધરપકડ કરી હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે આ ધરપકડ એનએસઈ કો-લોકેશન સ્કેમને લઈને કરવામાં આવી છે. થોડા વર્ષો પહેલા એનએસઈમાં થઇ ગયેલા ગોટાળા મામલે આ અત્યાર સુધીની સૌ પ્રથમ ધરપકડ છે. તેને સીબીઆઈના દિલ્હી સ્થિત વડામથકે લઈ જવાની તૈયારી કરવામાં આવી અને ત્યાર બાદ તેને કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
- Advertisement -
આનંદને જ યોગી હોવાનું અનુમાન
આ કેસ સામે આવ્યા બાદ એનએસઈ સહિત અનેક એક્સપર્ટ્સનું માનવું છે કે હિમાલયમાં રહી કથિત સ્ટોક એક્સેચેન્જ ચલાવનારો યોગી કોઈ બીજું નહીં પણ આનંદ જ છે. એનએસઈએ સેબીને આપેલા સબમિશનમાં કહ્યું હતું કે, હકીકતમાં આનંદ જ યોગી છે અને તે ફેક આઈડેન્ટિટી ક્રિએટ કરીને ચિત્રાનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. જોકે સેબીએ એનએસઈની આ વાત નહોતી માની.


