મનપા તંત્રએ ભાડે આપેલા ફ્લેટ જપ્ત કરી લીધા, ગેલા રબારીના પરિવાર અને મળતિયા સામે ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટના સંતકબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજનામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ગેલા રબારીએ પોતાના મળતિયાઓને ફ્લેટ અપાવીને ભાડે ચડાવવાનું કૌભાંડ આચર્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રબારી પરિવારે આવાસના ફ્લેટના તાળા તોડી ભાડે આપ્યા હતા. આ કૌભાંડ બહાર આવતા ગેલા રબારીના ભત્રીજા વહુ સહિત ચાર આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જો કે, આ ગેરરીતિ બહાર આવતા મનપાએ ફ્લેટને જપ્ત કરી લીધો છે. તપાસની જાણ થતા ભાડૂઆતોએ તાત્કાલિક પણે ઘર ખાલી કરી દીધાનું સામે આવ્યું છે.
આ કેસની તપાસ કરી રહેલા ડીએમસી આશિષકુમાર છ મહિને પણ એકપણ નામ શોધી નથી શક્યા તેથી ગેરરીતિની તપાસ ફરી ચાલુ કરતા બે ફ્લેટમાં ગેરકાયદે ભાડૂઆતો મળી આવતા જપ્ત કરાયા છે. મનપાની ટીમ તપાસમાં ગઈ ત્યારે જી વિંગમાં 206 નંબરમાં તપાસ કરી હતી ત્યારે તાળું હતું. મોડી રાત્રે એક મહિલાએ તાળું ખોલતા ટીમે તપાસ કરી આધાર માગતાં મહિલા પાસે જ આધાર કાર્ડ હતું અને તેમના નામનો ફ્લેટ છે તેવું કહ્યું હતું. જો કે શંકા જતા ફ્લેટની ફરી તપાસ કરતા તેમાં અન્ય કોઇ મહિલા મળી આવ્યા હતા અને આકરી પૂછપરછ થતા ભાડે લીધું હોવાનું સ્વીકારતા તે ફ્લેટ પણ મનપાએ જપ્ત કરી લીધો છે. આ ઉપરાંત મનપાની માલિકીના એક ફ્લેટમાં તાળું હતું તે તાળું શુક્રવારે તોડવામાં આવતા તેમાંથી ખાટલો, પાણીના બાટલા, ટીવી સહિતની વસ્તુઓ મળી હતી જે સાબિત કરે છે કે ઉતાવળમાં સામાન ફેરવાયો હતો.


