અનેક રજૂઆતો બાદ પણ યોગ્ય ઉકેલ ન આવતા વનકર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજ્યના સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને આંદોલનના મંડાણ માંડ્યા છે અને વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના વનકર્મચારીઓ પણ આ લડતમાં જોડાયા છે. વનરક્ષક વર્ગ-3 ને 2800 ગ્રેડ-પે તેમજ વનપાલને 4200 ગ્રેડ પે, રજા પગાર આપવા તથા અન્ય વિવિધ પ્રશ્ને રાજ્યના વનકર્મીઓ દ્વારા ચાલતી લડતમાં મોરબીના વનકર્મીઓ પણ જોડાયા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ગાંધી ચીંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અગાઉ આ અંગેની વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના નેજા હેઠળ શરૂ થયેલ લડતમાં અગાઉ કરેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના મુખ્ય મુદ્દા જેમાં વનરક્ષક વર્ગ-3ને 2800 ગ્રેડ-પે તેમજ વનપાલને 4200 ગ્રેડ પે આપવામાં આવે, આ ઉપરાંત રજાના દિવસે બજાવેલ ફરજના ભાગરૂપે રજા પગાર આપવા તથા વનરક્ષકની ભરતી અને બઢતીનો રેસીયો 1:3 કરી આપવાની મુખ્ય રજૂઆત છે. આ પ્રશ્નો મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું ન હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું હતું. વન રક્ષક કર્મચારી મંડળના ગ્રેડ પે, રજા પગાર, ભરતી-બઢતીનો રેસીયો વગેરે પ્રશ્નો બાબતે નિરાકરણ નહીં આવતા અંતે તંત્રને આપેલી ચીમકી મુજબ વન વિભાગના કર્મચારીઓ ગત 6 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે જેમાં મોરબીના પણ વન કર્મચારીઓએ જોડાઈને પડતર પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરી છે.