ટ્રક તથા વિદેશી દારૂ સહિત 19.85 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, એક ફરાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
લીમડીના પાણશીણા પોલીસ મથકનો સ્ટાફ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હોય તેવા સમયે બગોદરા થી લીમડી તરફ આવતા આર જે 27 જી ઈ 4618 નંબર વાળા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીના આધારે પોલીસે વોચ રાખી ટ્રકને અટકાવતા ટ્રકમાં સવાર એક ઈસમ તુરંત નીચે ઉતરી નાશી ગયો હતો જ્યારે ટ્રક ચાલકને ઝડપી પાડી ટ્રકની પાછળ તપાસ કરતા સફેદ પાઉડરની થેલી ભરેલી હોય જેના નીચે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં નાની મોટી વિદેશી દારૂની બોટલ 2196 નંગ તથા બિયર નંગ 2160 કુલ કિંમત 4,80,600/- રૂપિયાનો જપ્ત કરી ઝડપાયેલ ટ્રક ચાલક ગણેશ ભેરુલાલ ભીલ રહે: રાજસ્થાન વાળા પાસેથી એક ટ્રક કિંમત 15,00,000/- રૂપિયા, એક મોબાઇલ ફોન કિંમત 5000/- રૂપિયા સહિત કુલ 19,85,600/- રૂપિયાનો મુદામાલ ઝડપી શખ્સની પ્રાથમિક પૂછપરછમાં નાશી જનાર ઇશમ લખમણ ભીલ રહે: રાજસ્થાન વાળો હોવાનું જણાવતા બંને વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.