ગાંધીનગર જખઈ ટીમની મોટી કાર્યવાહી: સ્થાનિક પોલીસ પર સવાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
- Advertisement -
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-કચ્છ હાઈવે પર દસાડા તાલુકાના માલવણ ગામ શાસે આવેલી હોટલ આલિશાનના કમ્પાઉન્ડમાં દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. દરોડા દરમિયાન ત્યાં પાર્ક કરેલી એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા રાજસ્થાનથી પ્લાયવુડની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો હતો. પોલીસ તપાસમાં કુલ 33,816 બોટલ ઈંગ્લીશ દારૂ, જેની અંદાજીત કિંમત રૂ. 1,50,48,800 થાય છે, તે મળી આવી હતી. ઉપરાંત, રૂ. 15 લાખની ટ્રક, મોબાઈલ ફોન તથા પ્લાયવુડ સહિત કુલ રૂ. 1,68,53,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક સતેન્દ્રપાલ બલવીરસિંગ (રહે. ઉત્તર પ્રદેશ)ની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ચાલકની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો ઉદયપુરના પ્રિતમસિંહ દ્વારા મોકલવામાં આવ્યો હતો, જ્યારે પાટડીના ગેડીયા ગામના બિલકિસબાનુ હનીફખાન મલેક, ઈસ્માઈલખાન બિસ્મિલ્લાખાન મલેક તથા ઝેઝરી ગામના અકીબખાન ઈલમખાન મલેક દ્વારા મંગાવવામાં આવ્યો હતો. આ મામલે બજાણા પોલીસ મથકે કુલ 5 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ સ્થાનિક પોલીસની નજર હેઠળથી પસાર થતો હોવા છતાં કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલે કરવી પડી, જેને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને દેખરેખ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
જખઈના દરોડા બાદ પોલીસ વિભાગમાં ફેરફારના એંધાણ
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની સતત કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી અંગે ઉંચા સ્તરે ચર્ચા શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકોના પી.આઈ. તથા પી.એસ.આઈ.ની મોટાપાયે બદલી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એલસીબી સંબંધિત વિવાદોની વચ્ચે એસએમસીના વારંવારના દરોડાઓને પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી શક્યતા તેજ બની છે.



