પોલીસે રૂ.13,662ની કિંમતની વિદેશી દારૂની 17 બોટલ જપ્ત કરી; ફરાર આરોપીઓને ઝડપવા તપાસ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવા ડેલા રોડ પર આવેલ કુંભાર શેરીમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. જ્યારે દરોડા દરમિયાન અન્ય બે આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, પોલીસે દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખવામાં આવેલી વિદેશી દારૂની કુલ 17 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 13,662/- આંકવામાં આવી છે.
- Advertisement -
પોલીસે સ્થળ પરથી આરોપી હર્ષદભાઈ નાનજીભાઈ મકવાણા (ઉ.વ. 49, રહે. મહેન્દ્રપરા, મોરબી) ને ઝડપી લીધો હતો. જ્યારે, દારૂ રાખનાર મુખ્ય આરોપી રાકેશભાઈ દામજીભાઈ પાદરેશા (રહે. કુંભાર શેરી, મોરબી) અને અન્ય એક ઇસમ હિતેષ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેમને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.