-અદાણીની સંપતિ ડબલ, અંબાણીની 5 ટકા ઓછી થઈ
-ગત વર્ષ કરતા ધનવાનોની સંપતિ 25 અબજ ડોલર વધી: ફોર્બ્સની યાદી જાહેર: નવા નવા ચહેરાઓની એન્ટ્રી
- Advertisement -
કોરોનાકાળ બાદ વેપારધંધા નોર્મલ બની જવા સાથે ડીમાંડમાં મોટી વૃદ્ધિને પગલે ભારત દુનિયાનું પાંચમુ સૌથી મોટુ અર્થતંત્ર બની ગયુ છે ત્યારે આ દરમ્યાન ભારતના ટોપ-100 ધનવાનોની સંપતિમાં 25 અબજ ડોલરનો વધારો થયો છે અને તેઓની કુલ નેટવર્થ 800 અબજ ડોલર થઈ છે.
બ્રિટનને પછાડીને ભારતે દુનિયાના પાંચમા નંબરના સૌથી મોટા અર્થતંત્રની સિદ્ધિ હાંસલ કરી જ લીધી હોવા છતાં ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલ શેરબજાર મામુલી ઘટાડો સૂચવે છે. કરન્સી માર્કેટમાં રૂપિયામાં 10 ટકાનો ઘટાડો થયો હોવા છતાં અમીરોની સંપતિ વધતી જ રહી છે. ફોર્બ્સ 2022ના ભારતના ટોપ-100 અમીરોના લીસ્ટમાં ગૌતમ અદાણી ટોચ પર છે. ટોપ-100 ધનવાનોની કુલ નેટવર્થ 800 અબજ ડોલરને પાર કરી ગઈ છે અને કુલ સંપતિમાં 25 અબજ ડોલરનો વધારો થયો છે.
ફોર્બ્સ 2022ના રિપોર્ટ પ્રમાણે અદાણી ગ્રુપની સંપતિમાં રેકોર્ડબ્રેક વૃદ્ધિને કારણે આ શકય બન્યુ છે. 2008 પછી પ્રથમ વખત ટોચના ધનિકના નામમાં બદલાવ થયો છે. 2021માં અદાણીની સંપતિમાં ત્રણ ગણાનો વધારો છે. ચાલુ વર્ષે સંપતિ ડબલ થઈને 150 અબજ ડોલરે પહોંચી ગઈ છે અને ભારતના સૌથી અમીર તથા દુનિયાના બીજા નંબરના સૌથી ધનવાન બન્યા છે.
- Advertisement -
ફોર્બ્સની યાદીમાં ભારતના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ તરીકે રીલાયન્સના મુકેશ અંબાણીનું નામ છે. તેમની સંપતિ 88 અબજ ડોલર છે. ગત વર્ષ કરતા પાંચ ટકા ઓછી છે. રસપ્રદ વાત એ છે કે ભારતના ટોપ-100 અમીરોની કુલ સંપતિમાં માત્ર અદાણી-અંબાણીનો હિસ્સે જ 30 ટકા છે.
આ સિવાય રીટેઈલ ઓનલાઈન બિઝનેશ ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દામાણી ત્રીજા ક્રમે છે. પ્રથમ વખત ટોપ-3માં સ્થાન પામ્યા છે. કુલ સંપતિ 27.6 અબજ ડોલર છે. ગત વર્ષ કરતા છ ટકા ઓછી થઈ છે. ચોથા ક્રમે કોરોના રસી બનાવનાર સાયરસ પુનાવાલા છે. તેમની સંપતિ 21.5 અબજ ડોલર છે.
ટોપ-100 અમીરોના લીસ્ટમાં આ વર્ષે નવા 9 ચહેરાઓ છે. તેમાં નાયકાના ફાલ્ગુની નાયર, માન્યવરના રવિ મોદી તથા મેટ્રોના રફીક મલિક છે. ટોપ-100માં સામેલ રાહુલ બજાજ, રાકેશ જુનજુનવાલા તથા પલોનજી મિસ્ત્રીના અવસાન થયા છે.