દીકરીઓને 250થી વધુ વસ્તુઓ કરિયાવરરૂપે ભેટ અપાશે :200થી વધુ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ
ખાસ-ખબર સંવાદદાતા
દીકરાનું ઘર- વૃદ્ધાશ્રમ ઢોલરા તેમજ મનસુખભાઈ પાણ તેમજ પાણ ગ્રુપ ઓફ કંપનીઝ પરિવાર દ્વારા સતત છઠ્ઠા વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 25 દીકરીઓનો ઐતિહાસિક જાજરમાન શાહી લગ્નોત્સવ વ્હાલુડીના વિવાહ આગામી તા. 17 ડિસેમ્બરના રોજ રાજકોટના આંગણે યોજાનાર છે.
આ અંગેની માહિતી આપતાં સંસ્થાના મુકેશ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના તેમજ કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે દીકરાનું ઘર- વૃદ્ધાશ્રમની છેલ્લાં 25 વર્ષની સેવાયાત્રા છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રામનો વિશાળ પરિવાર છે. દીકરાનું ઘર તેની સેવા પ્રવૃત્તિથી દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત બન્યું છે. દીકરાનુ ઘરના 200થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ નિરાધાર માવતરોની સેવા કરી તેના દીકરા બનવાની સાથોસાથ સમાજની માતા-પિતા વિહોણી અથવા પિતાવિહોણી દીકરીઓના પિતા બનવાનું ભાગ્ય છેલ્લા પાંચ વર્ષથી મેળવી રહ્યું છે.
વ્હાલુડીના વિવાહના લગ્નોત્સવ પહેલાં દરેક દીકરીઓને પોતાના સંસારમાં સુખી થાય તેવા શુભઆશયથી ગત તા. 3 ડિસેમ્બરના રોજ દીકરી જીવનનું મેઘધનુષ્ય- સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગત તા. 6 ડિસેમ્બરના રોજ દીકરીઓના પિયર પક્ષના લોકો જોઈ શકે તે માટે આણુદર્શન અને દાંડિયા રાસનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આગામી તા. 17 ડિસેમ્બર ને રવિવારના રોજ ગીત સંગીત, વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. આ શાહી લગ્નોત્સવ 80 હજાર ફૂટમાં પથરાયેલ નવા રીંગ રોડ પર આવેલા વિશ્ર્વા પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. વ્હાલુડીના વિવાહનું આ વખતનું યજમાનપદ શહેરના જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. લગ્ન સ્થળે સેલ્ફી પોઈન્ટ, એલઈડી, કાઠીયાવાડી કસુંબો, દરેક દીકરીના અલગ અલગ મંડપ, સંગીતની સુરાવલી, શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ ભવ્ય અને આકર્ષક સ્ટેજ કરિયાવરનો ડિસ્પ્લે તેમ ઠાકોરજીના ચરણોમાં ધરવામં આવેલ 56 ભોગ લગ્નોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. વ્હાલુડીના વિવાહની વિશેષતા જોઈએ તો પ્રત્યેક લગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર- ગુજરાતના જાણીતા કલાકાર રમેશભાઈ હીરપરા તથા સરસ્વતીબેન હીરપરા લગ્ન ગીતોની રમઝટ બોલાવશે. લગ્નના એક દિવસ અગાઉ દીકરીઓ માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તા. 16 ડિસેમ્બરના રોજ બપોરે અને સાંજે દીકરીઓનું ફૂલેકું રહેશે. જેના યજમાન મનસુખભાઈ પાણ પરિવાર રહેશે.
વ્હાલુડીના વિવાહમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરિયાવર ઉપરાંત એક તોલો સોનુ પણ અપાશે. જેના યજમાનપદે શહેરના જાણીતા ઉદ્યોગપતિ ધરમશીભાઈ સિતાપરા પરિવાર બન્યા છે. સંસ્થા દ્વારા સમગ્ર આયોજનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે ઈમરજન્સી મેડીકલ સારવાર સુવિધા, બે એમ્બ્યુલન્સ, ફાયર સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વ્હાલુડીના વિવાહ પ્રસંગે 1 કરોડના વિમાથી સુરક્ષિત કરવામાં આવી છે.
આ વ્હાલુડીના વિવાહનું 5000થી વધુ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમગ્ર આયોજનમાં 200થી વધુ કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે તથા દીકરાનું ઘરના ટ્રસ્ટી મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ધીરુભાઈ રોકડ, નંદલાલભાઈ માંડવીયા, વલ્લભભાઈ સતાણી, પ્રતાપભાઈ પટેલ, ડો. નિદતભાઈ બારોટ, વસંતભાઈ ગાદેશા, અનુપમભાઈ દોશી, હસુભાઈ રાચ્છ, વિમલભાઈ ખૂંટ, નંદલાલભાઈ માંડવીયા, વીરાભાઈ હુંબલ સહિતનાઓનું માર્ગદર્શન મળી રહ્યું છે.
સમગ્ર વ્હાલુડીના વિવાહના આયોજનમાં યશવંતભાઈ જોષી, ડો. ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, દોલતભાઈ ગાદેશા, હરીશભાઈ હરિયાણી, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ જીવરાજાની, જીજ્ઞેશભાઈ પુરોહિત, પંકજ રૂપારેલિયા, વિમલ પાણખાણીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે અનુપમ દોશી, સુનીલ વોરા, કિરીટ આદ્રોજા, વસંતભાઈ ગાદેશા, સુનીલ મહેતા, કિરીટભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, ગૌરાંગ ઠક્કર વગેરે આવ્યા હતા.