દીકરીઓને સમાજના સહકારથી 250થી વધુ કરિયાવરરૂપી વસ્તુઓ ભેટ અપાશે
વહાલુડીના વિવાહનું ફોર્મ તા. 29 ઓગસ્ટ સુધી મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમાજથી અને ઘરથી તરછોડાયેલા નિરાધાર માવતરોની છેલ્લા 26 વર્ષથી સેવા કરી રહેલું ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ તેની વિવિધ સેવાકીય પ્રવૃત્તિથી સમગ્ર દેશ અને દેશની બહાર પ્રચલિત છે ત્યારે નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. વહાલુડીના વિવાહ શિર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો છે ત્યારે સતત સાતમા વર્ષે આ અદક્રુ આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહાલુડીના વિવાહ-7ના મુખ્ય યજમાનપદે એસ. કોમ્પ્યુટરના સંચાલક સંજયભાઈ ધમસાણીયા, માધવીબેન ધમસાણીયા પરિવાર જોડાયેલા છે. આગામી ડિસેમ્બરની 29 તારીખે સતત સાતમા વર્ષે વહાલુડીના વિવાહ-8 ‘દીકરાનું ઘર’ દ્વારા અત્યંત ભવ્યાતિભવ્ય છતાં ગરિમાપૂર્ણ રીતે યોજાશે. ફરી એક વખત 22 દીકરીઓને જરૂરિયાત મુજબનો સમૃદ્ધ કરિયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય તેવા આશીર્વાદ સાથે વિદાય અપાશે. સતત સાતમા વર્ષે દીકરાનું ઘર ટીમને આવી દીકરીઓના માતા-પિતા કે ભાઈ બનવાનું સદ્ભાગ્ય મળ્યું છે.
આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા અને કિરીટ આદ્રોજાએ જણાવ્યું હતું કે ‘દીકરાનું ઘર’ દ્વારા ફરી એકવખત સતત સાતમા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલી કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જીવનમાં રંગ પૂરવારનો અવસર ઉભો કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં ખ્યાતિપ્રાપ્ત બન્યા છે. 2018થી શરૂ થયેલ આ વિવાહમાં શહેરના અસંખ્ય સુખી-સંપન્ન દાતાઓ અને પરિવારો આગળ આવી રહ્યા છે. જેમાં ભાવેશભાઈ પટેલ પરિવાર, જાણીતા બિલ્ડર ધીરૂભાઈ રોકડ પરિવાર, પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર પણ યજમાનપદે અગાઉ રહી ચૂક્યા છે. ચાલુ સાલ સંજયભાઈ ધમસાણિયા પરિવારે આ સેવાયજ્ઞનું બીડું ઝડપ્યું છે. વહાલુડીના વિવાહ-7 અત્યંત ભવ્યાતિભવ્ય રીતે યોજાશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલા જવાનની દીકરી અમારા ધ્યાને આવશે તો આવી દીકરીના તેમની ઈચ્છા મુજબના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનું સમૃદ્ધ કરિયાવર પણ આપવામાં આવશે.
વહાલુડીના વિવાહ-7ની વિશેષ માહિતી આપતાં મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો. નિદત બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરૂભાઈ રોકડ, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરિયાવર ભેટરૂપે 250થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે. એક ઘરની જરૂરિયાત મુજબનો તમામ કરિયાવરનો તેમાં સમાવેશ થાય છે. જેમાં કબાટ, પલંગ, ટીપાઈ, ગાદલું, ઓશીકું, મીક્ષચર, ફ્રીઝ, એર કુલર, પંખા, સોના-ચાંદીની નાની-મોટી વસ્તુઓ, ઈમિટેશન સેટ, સંપૂર્ણ વાસણનો સેટ, 25 જોડી કપડાં સહિત લગભગ 250થી વધુ વસ્તુઓ પ્રત્યેક દીકરીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. દીકરાનું ઘર દ્વારા જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર આ પ્રસંગ ઉજવવામાં આવે છે. દીકરાનું ઘર કુલ 171થી વધુ કાર્યકર્તાઓ આ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સાથે ઉમંગથી જોડાયેલા છે. દીકરાનું ઘર દ્વારા અત્યાર સુધીમાં 138 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. ચાલુ સાલ વધુ 22 દીકરીઓને હોંશે હોંશે પરણાવવામાં આવશે. આ ઉપરાંત વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરુ અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા નિમિત્ત બનશે તેમ સંસ્થાના સુનીલ મહેતા, હરેશભાઈ પરસાણા, કિરીટ પટેલ, અશ્ર્વિનભાઈ પટેલ, દિપકભાઈ જલુ, ગૌરાંગ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
આ અંગેની વિશેષ માહિતી આપતાં સંસ્થાના ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઈ ભાલાલા, પ્રવિણ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ શૈલેષ જાનીએ જણાવ્યું છે કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 138 દીકરીઓને પરણાવવામાં આવેલ છે. ચાલુ સાલ વધુ 22 દીકરી પ્રભુતામાં પગલાં માંડશે. સંસ્થાના કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સંસ્થાના 171થી વધુ કર્મઠ કાર્યકર્તાઓએ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
વહાલુડીના વિવાહ-7નું ફોર્મ વિતરણ તા. 22-7-2024થી તા. 29-8-2024 સુધી સાંજના 4-00થી 7-00 સુધી 305, ગુરુરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, વિરાણી ચોક, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે. આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, દોલતભાઈ ગદેશા, ગુણુભાઈ ઝાલાડી, પ્રનંદ કલ્યાણી, યશવંત જાની, જિજ્ઞેશ આદ્રોજા, જીતુભાઈ ગાંધી, હરીશભાઈ હરિયાણી, મહેશ જીવરાજાની, પરિમલભાઈ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂપારેલીયા, વિપુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોવાણી, જિજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર. ડી. જાડેજા, ચેતન મહેતા, શૈલેષ દવે, મિહિર ગોંડલિયા, બ્રિજ વૈશ્ર્વન, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.