તા. 9ના સેમિફાઈનલ અને વિજેતા ટીમોને સન્માનિત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત સૌ પ્રથમ વખત વોલીબોલ તથા શુટીંગ બોલ ટુર્નામેન્ટનું ધમાકેદાર આયોજન સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવેલું છે જેમાં રમતવીરો વચ્ચે જંગ જામશે. ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ તા. 8 ને શનિવારના રોજ સાંજે 7-00 કલાકે રાખવામાં આવેલો છે. જેમાં રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. તા. 9ના રોજ સેમિફાઈનલ તથા ફાઈનલ સાથે વિજેતા ટીમોને, ખેલાડીઓને સન્માનિત કરાશે.
- Advertisement -
ક્ષત્રિય (ગિરાસદાર) સમાજમાં સ્પોર્ટસ એક્ટિવિટી પ્રત્યે બાળકોથી લઈ યુવાનો સુધી દરેકમાં જાગૃતતા આવે તેવા અભિગમ સાથે રાજકોટ શહેરમાં ઓપન ગુજરાત વોલીબોલ તથા શુટીંગ બોલ ટુર્નામેન્ટ પ્રથમ વખત યોજાશે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વોલીબોલ ખેલાડીઓની રાજ્યભરમાંથી 30થી વધુ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. તા. 8 તથા 9 માર્ચ એમ બે દિવસીય નાઈટ વોલીબોલ તથા શુટીંગ બોલની આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ રાજકોટ શહેરમાં એસ.એ.જી. સ્પોર્ટસ કોમ્પલેક્ષ, વિમલનગર મેઈન રોડ, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે રમાશે.
વોલીબોલ તથા શુટીંગ બોલ બંને પ્રથમ દિવસે તા. 8 શનિવારના રોજ સાંજે 7 કલાકે રાજકીય તથા સામાજિક મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન સમારોહ સાથે અલગ અલગ ટીમો વચ્ચે લીગ મેચ રમાશે. બીજા દિવસે રવિવારના રોજ સાંજે 7-00 કલાકે સેમિફાઈનલ તથા ફાઈનલ મેચ યોજાશે. વિજેતા તથા રનર્સ અપ ટીમોને રોકડ પુરસ્કાર ઉપરાંત શિલ્ડ તથા મોમેન્ટો દ્વારા મહાનુભાવોના હાથે સન્માનિત કરાશે. આ ઉપરાંત પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, બેસ્ટ ડીફેન્ડર, બેસ્ટ શુટર, બેસ્ટ સેટર, બેસ્ટ લીબેરો, બેસ્ટ એટેકર, બેસ્ટ નેટીની પસંદગી થશે અને રમતમાં સર્વોચ્ચ દેખાવ કરનાર આ તમામ રમતવીરોને પણ શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાશે. આંતરરાષ્ટ્રીય સ્તરના નિયમો સાથે રેફરીઓની સેવા લેવામાં આવશે અને સિલેકશન થશે.
ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલની ટીમ કાર્યવાહક સમિતિના સભ્યો દ્વારા તડામાર તૈયારી સાથે ટુર્નામેન્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા. 8ના રોજ સાંજે 7-00 કલાકે યોજાનાર ઉદ્ઘાટન સમારોહમાં ક્ષત્રિય સમાજના સામાજિક તથા રાજકીય મહાનુભાવો તેમજ સમાજના યુવાનો, ભાઈઓ, વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેમજ બે દિવસીય નાઈટ ટુર્નામેન્ટ નિહાળવા તથા સમાજના રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઉપસ્થિત રહેવા માટે સંસ્થાની કાર્યવાહક સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે રાજદિપસિંહ જાડેજા, તિર્થરાજસિંહ ગોહિલ, રાજદિપસિંહ રાણા, દુષ્યંતસિંહ જાડેજા, દિલજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, ચંદુભા જાડેજા આવ્યા હતા.