દિવાળી સુધીમાં સેવા શરૂ થઈ શકે: મઝગાંવ ડોક સાથે ગુજરાત સરકારની સમજૂતી, જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સત્તાવાર જાહેરાત થશે, એક વખતમાં 24 યાત્રી અને 6 ક્રૂ મેમ્બર જઈ શકશે
ખાસ-ખબર સંવાદદાતા
હજારો વર્ષ પહેલાં દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વસાવાયેલી દ્વારકાના નગરીનાં દર્શન હવે સરળ બનવા જઇ રહ્યાં છે. ગુજરાત સરકાર મૂળ દ્વારકાનાં દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડની સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે. જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સબમરીનનું સંચાલન મઝગાંવ ડોક કરશે. સંભવિત રીતે જન્માષ્ટમી અથવા તો દિવાળી સુધી તેની શરૂઆત થઇ જશે.
કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્ર્વનાથ , મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ કોરિડોર અને દ્વારકા કોરિડોર આ પ્રોજેક્ટના હિસ્સા તરીકે છે. દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકા (બેટ દ્વારકા)નાં દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. બેટ દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સંભવિત રીતે તેનું ઉદ્ઘાટન પણ જન્માષ્ટમીની આસપાસ જ થઇ શકે છે.
આ બ્રિજ દરિયામાં ડૂબેલી દ્વારકાની પરિક્રમા કરાવવાનો અનુભવ કરાવશે. સબમરીન માટે બેટ દ્વારકાની પાસે એક જેટીનું પણ નિર્માણ કરાશે. જ્યાંથી યાત્રી સબમરીનમાં બેસી શકશે. એક વખતમાં 24 યાત્રી અને છ ક્રૂ મેમ્બર્સ તેમાં જઇ શકશે. બેથી અઢી કલાકની યાત્રા રહેશે. સરકારનાં સૂત્રો મુજબ તેનું સંચાલન મોંઘુ છે જેથી તેના માટે ટિકિટ પણ વધુ હોઇ શકે છે. પરંતુ આ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે ટિકિટની કિંમત સામાન્ય લોકો ન ખરીદી શકે તેટલી મોંઘી રહેશે નહીં. જો જરૂર પડશે તો ગુજરાત સરકાર તેના માટે સબસિડી જેવી યોજના લાવી શકે છે.
- Advertisement -
સબમરિનની સુરક્ષા-ક્ષમતા અને વજન
યાત્રી સુરક્ષા : યાત્રીઓને ઓક્સિજન માસ્ક, ફેસમાસ્ક અને સ્કૂબા ડ્રેસ સંચાલન કરનાર એજન્સી દ્વારા જ આપવામાં આવશે. જેના તમામ ભાડા ટિકિટમાં જ સામેલ કરાશે.
યાત્રી ક્ષમતા : 24 પ્રવાસી આરામથી બેસી શકે તે પ્રકારે સબમરીનની ડિઝાઇન તૈયાર કરાઈ છે. યાત્રીઓ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો રહેશે, જેમાં 2 પાઇલટ, 2 ડાઇવર, 1 ગાઇડ અને 1 ટેક્નિશિયન પણ સાથે રહેશે.
વજન : સબમરીનનું વજન 35 ટન રહેશે, જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે.
સુવિધા અને વિશેષતા
સુવિધા : સબમરીનમાં ઍર કન્ડિશનિંગ, મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે. કુદરતી રોશનીની સુવિધા હશે. આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે. દૂરસંચાર વ્યવસ્થા અને વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા રહેશે. સબમરીનમાં બેસીને પણ સામે સ્ક્રીન પર દરિયાઇ હલચલ, જીવોને જોઇ શકાશે.
વિશેષતા : આ સબમરીન દરિયામાં 300 ફૂટ (100 મીટર) નીચે સુધી જઇ શકશે. બે રોમાં બેઠક વ્યવસ્થા રહેશે. યાત્રી બંને તરફ દરિયાના ખૂબસુરત દ્રશ્ર્યો અને કુદરતી ખૂબસૂરતીને માણી શકશે. એક રોમાં 12 લોકો બેસી શકશે.