લેટિન અમેરિકન ટીમ ઈક્વાડોરે યજમાન કતારને 2-0થી હરાવ્યું : કેપ્ટન વેલેન્સીયાના બે ગોલ: કતારે ગોલ માટે પાંચ શોટ લગાવ્યા પરંતુ સફળ ન થઈ શક્યા
સાઉદી અરેબિયન દેશ કતારના અલ-બેત સ્ટેડિયમ પર ગતરાતથી ફિફા વર્લ્ડકપનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ઓપનિંગ મેચમાં યજમાન કતાર અને ઈક્વાડોર વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં ઈક્વાડોરે કતારને 2-0થી પરાજય આપ્યો છે. ઈક્વાડોર વતી બન્ને ગોલ કેપ્ટન અને સ્ટ્રાઈકર એનર વેલેન્સીયાએ કર્યા હતા.
- Advertisement -
આ હાર સાથે જ ફિફા વર્લ્ડકપના 92 વર્ષના ઈતિહાસમાં કતાર પહેલી એવી મેજબાન ટીમ બની ગઈ છે જેને પોતાના પ્રથમ મતલબ કે ઓપનિંગ મેચમાં જ હાર મળી છે. આ પહેલાં કોઈ પણ યજમાન દેશ ક્યારેય પોતાની પહેલી મેચ હાર્યો નથી. કતારે મેચમાં ગોલ પોસ્ટ ઉપર પાંચ શોટ ફટકાર્યા હતા પરંતુ તે ગોલમાં તબદીલ થઈ શક્યા નહોતા.
ઈક્વાડોરના કેપ્ટન એનર વેલેન્સીયાએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વેલેન્સીયાએ પહેલો ગોલ 16મી મિનિટમાં કર્યો હતો. કતારના ગોલકિપરની ભૂલથી ઈક્વાડોરને પેનલ્ટી મળી અને તેને વેલેન્સીયાએ તેને ગોલમાં તબદીલ કર્યો હતો. આ પછી વેલેન્સીયાએ જ 31મી મિનિટમાં બીજો ગોલ કર્યો હતો. કોર્નરનો શાનદાર ફાયદો ઉઠાવતાં તેણે ઉછળીને ગોલ તરફ હેડર માર્યું અને બૉલ નેટમાં ચાલ્યો ગયો હતો.
કતારે લેટિન અમેરિકન ટીમ ઈક્વાડોરને મેચમાં ટક્કર જરૂર આપી હતી પરંતુ તેને જીત મળી શકી નહોતી. ખેલાડીઓએ સારું પાસિંગ અને મેચમાં ટકી રહેવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને તક પણ બનાવી હતી પરંતુ તે તક ગોલમાં પરિવર્તિત થઈ શકી નહોતી. આ પાછળનું મહત્ત્વનું કારણ એ રહ્યું કે પેનલ્ટી બોક્સમાં બોલના જતાં જ સ્ટ્રાઈકર તેને યોગ્ય દિશા આપી શક્યા નહોતા. કતારે મેચમાં પાંચ શોટ લગાવ્યા પરંતુ એક પણ ગોલ તરફ લઈ જઈ શક્યા નહોતા.
- Advertisement -
કતારમાં ફિફા વર્લ્ડકપનો પ્રારંભ થાય તે પહેલાં શાનદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. સેરેમનીમાં સૌથી પહેલાં કતારના રણને બતાવવામાં આવ્યું હતું. આ પછી હૉલિવૂડ એક્ટર મોર્ગન ફ્રિમેને વીડિયો દ્વારા કતારની ફૂટબોલ સાથે જોડાયેલી સ્ટોરી દર્શાવી હતી. સેરેમનીમાં બીટીએસના લીડ સિંગર જંગહુકે પ્રદર્શન કર્યું હતું.
આ સાથે જ 900થી વધુ કલાકારોએ પ્રદર્શન કર્યું હતું. અંતમાં ઝંડો લહેરાવીને, અલગ-અલગ ટીમોની જર્સી પહેરેલા કલાકારોએ ડાન્સ કર્યા હતો અને ભવ્ય આતશબાજી થઈ હતી. આ કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ધનખડ કતાર રાજ્યના અમીર શેખ તમીમ બિન હદમ અલ થાનીના નિમંત્રણ પર દોહા આવ્યા છે.
આજની મેચ
મેચ સમય
ઈંગ્લેન્ડ-ઈરાન સાંજે 6:30
સેનેગલ-નેધરલેન્ડસ રાત્રે 9:30