શોભાયાત્રાનો રૂટ શાસ્ત્રી મેદાનથી લઇ એરપોર્ટ રોડ સર્કલ સુધીનો રહેશે
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં આગમન થવાનું છે. રાજ્યના પાંચ મોટા શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે બાબા રાજ્યમાં આવે તે પહેલાંથી જ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. પહેલી અને બીજી જૂનના રોજ બાબાનો દરબાર રાજકોટમાં યોજાવાનો છે. તે પહેલાં રાજકોટમાં શોભાયાત્રા નિકળવાની છે. આયોજકોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બાબા હનુમાનજીના ઉપાસક છે. તેમનો દિવ્ય દરબાર ખૂબ જ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે તેમની સાથે છીએ. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબાની સાથે છીએ.
- Advertisement -
તેમણે કહ્યું હતું કે, બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે. કોઈ ચમત્કારની વાત કરે છે તો કોઈ પોતાના દુ:ખ લઈને આવે તો તેની શ્રદ્ધાનો વિષય છે. અમારું કહેવું છે કે, ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે. કોંગ્રેસ લઘુમતીના મત મેળવવા માટે હંમેશા તુષ્ટીકરણની નીતિ પર કામ કરે છે એ લોકોને યાદ જ છે. આ પ્રસંગે મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પરમાત્માનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, બહારની તાકાત સામે લડવા માટે હિન્દુઓએ એક થવું જોઈએ.
બીજી તરફ સમગ્ર મામલે 29મી તારીખના રોજ જે શોભાયાત્રા નીકળવાની છે તેનો રૂટ ફાઈનલ થઇ ચૂક્યો છે. તંત્ર દ્વારા શોભાયાત્રાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. શોભાયાત્રાનો રૂટ શાસ્ત્રી મેદાનથી, કોર્પોરેશન ચોક ત્યાંથી નાગરિક બેન્ક ચોક, મવડી ઓવરબ્રિજ, આનંદ બંગલા ચોક, વિશ્વેશ્વર મહાદેવ, મવડી ચોકડી, બાલાજી હોલ, નાના મૌવા સર્કલ, બિગ બજાર ચોક, ઇન્દિરા સર્કલ, કોટેચા ચોક, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા અને એરપોર્ટ રોડ સર્કલથી કાર્યાલય ખાતે પૂર્ણ થશે.