માર્ગ પરિવહન મંત્રાલયનો રિપોર્ટ જાહેર
2020નું વર્ષ જીવલેણ માર્ગ અકસ્માતોની દૃષ્ટિએ બે દાયકાનું સૌથી ગંભીર
- Advertisement -
ટ્રાફિક સિગ્નલ જંપથી અકસ્માતના મોત પણ 79 ટકા વધી ગયા : રોંગસાઈડ દુર્ઘટનામાં મૃત્યુઆંકમાં 20 ટકાની વૃધ્ધિ
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાભરમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો ધરાવતા ભારતમાં કોરોના વર્ષ 2020માં સૌથી વધુ ગંભીર દુર્ઘટનાઓ સર્જાઇ હતી અને દર 100 અકસ્માતમાં 36 લોકોએ જાન ગુમાવ્યા હતા. કેન્દ્રનાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ ગંભીર અકસ્માતો 2020માં નોંધાયા હતા. માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ 43.5 ટકા મોત ટુ-વ્હીલર ચાલકોના થયા હતા. જ્યારે ટ્રાફીક સિગ્નલ જંપ કરવાના પ્રયાસમાં સર્જાતી દુર્ઘટનામાં 79 ટકાનો મોટો વધારો થયો હતો જ્યારે રોંગસાઈડમાં વાહન ચલાવતા સર્જાયેલા અકસ્માતોમાં મોતની સંખ્યામાં 20 ટકાની વૃધ્ધિ થઇ હતી. મહત્વની વાત એ છે કે કોરોના કાળના લોકડાઉનના વર્ષમાં જ અકસ્માતોની ગંભીરતામાં મોટો વધારો થયો હતો. માત્ર ભારત જ નહીં સમગ્ર દુનિયામાં આ પ્રકારનો ટ્રેન્ડ માલુમ પડ્યો હતો. રિપોર્ટમાં એમ જણાવાયું છે કે 2020માં ટુ-વ્હીલર વાહન ચાલકોના મોતની સંખ્યા વધીને 57282 થઇ હતી. જે 2019માં 56136 અને 2018માં 55336 હતી.
જો કે હેલ્મેટ નહીં પહેરનારા વાહનચાલકોના મોતની સંખ્યામાં ઘટાડો હતો. 2019માં 44666 હેલ્મેટ પહેર્યા વિનાના ટુ-વ્હીલર ચાલકો મોતને ભેટ્યા હતા તે સંખ્યા 2020માં 39589 થઇ હતી. 2020માં માર્ગ અકસ્માતોમાં મોતને ભેટેલા 77500 લોકો 18થી 45 વર્ષની ઉંમરના હતા જે કુલ મૃત્યુઆંકનાં 69 ટકા થવા જાય છે. ભારતમાં દર વર્ષે માર્ગ પરિવહન મંત્રાલય અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા અકસ્માતોના આંકડાકીય રિપોર્ટ જાહેર કરવામાં આવતા હોય છે.