99 રૂ.ની ઓફરવાળી રિલ્સમાં લાઈક કરી ટીઆરપી ગેમઝોનમાં લાઈફ ગુમાવનારાઓ સિવાયના લોભામણી જાહેરાતો જોઈ ઘેટા બની ક્યાંય પણ લાભ લેવા દોડી ન જશો : મનોરંજન સાથે મનગમતી વાનગીઓ પીરસતા પ્લેસમાં મોત તો નહીં મળે ને? તેની ચકાસણી કરી લેજો
ગુજરાતીઓ અને તેમાં પણ રાજકોટિયનો ખાવાપીવાના જબરા શોખીન છે. અહીં ખાનપાન સંસ્કૃતિ છે, અધ્યાત્મ છે. વૈભવતાની નિશાની અને તંદુરસ્તીની ઓળખ છે. રાજકોટ એક એવું શહેર છે જ્યાં ખાવા માટે સમય નહીં સંતોષ જોવાઈ છે, જ્યાં પીવા માટે પ્યાસ નહીં પ્રસંગ જોવાઈ છે. જીભને જોઈતો સ્વાદ મળી જાય તો સ્વાસ્થ્ય પણ ગયું તેલ પીવા. ચામાં પણ ચીઝ અને મીઠાઈમાં પણ બટર-મેયોનિઝ નાખે એ આ રાજકોટિયાઓ. મિત્રોની મહેફિલ કે બહેનપણીઓની પાર્ટી ખાણીપીણી વિના અશક્ય છે, અધૂરી છે. રાજકોટવાસીઓના દિલનો રસ્તો પેટમાંથી નીકળે છે અને જીભ સુધી પહોંચે છે. આ ગામના લોકો ખટ્ટમીઠ્ઠા ચટાકેદાર છે. સવારે ચા-ગાંઠિયા, ખમણ, થેપલા, દાળ-પકવાન તો બપોરે ગુજરાતી થાળી અને સાંજે કાઠિયાવાડી ભોજન સિવાય દિવસભરમાં પાનફાકી ખાતા કે સિગરેટ પીતા પહેલા કે ઠંડાપીણાં સાથે બાઈટિંગમાં સાઉથ ઈન્ડિયન, ચાઈનીઝ, પંજાબીની વિધવિધ ડિશથી લઈ પાણીપુરી, ભેળ-ચાટ, સમોસા-ઘૂઘરા, ભજીયા-પકોડા, ભૂંગળા બટેકા, રગડો-દહીંવડા, વડાપાઉં-દાબેલીને કેટકેટલીયે વાનગીઓ અહીંના લોકો આરોગી જાય છે. મોર્નિંગ વોકમાં ઉકાળા-કાવો અને ઈવનિંગ જોગિંગમાં કઠોળ-સૂપ તો લેઈટનાઈટ રખડપટ્ટીમાં આઈસ્ક્રીમ-ગોલા અલગથી. જેટલી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં વેરાયટી સાથે મેનુ લાંબુ છે એનાથી અનેકગણું લાંબુલચક લિસ્ટ છે ખાણીપીણીના ધંધાર્થીઓનું.
- Advertisement -
ગલીના કોઈ ખૂણેખાચરે, ફૂટપાથ પર, બ્રીજ-બગીચાની આસપાસ, શોપ કે મોલમાં, હાલતાચાલતા ફૂડ સ્ટ્રીટથી લઈ ગાર્ડન એરિયા, રિસોર્ટ, ફાઈવ સ્ટાર રેસ્ટોરાં સુધી બધા કંઈકને કંઈક પીરસી રહ્યા છે અને આપણી પ્રજા તેને ખૂબ મોજથી ઝાપટી રહી છે. જલસો ન પડે ત્યાં સુધી.
કોઈ નવી વાનગી કે રેસ્ટોરાં વિશે સાંભળ્યું, જોયું કે જાણ્યું નથી અને પૂરી વાત.. એમાં પણ એફબી-ઈન્સ્ટામાં સુરેશ પ્રજાપતી, આનંદ સાતા, નીરવ મોદી, સમીર ભીંડે, હંસાબેન પરમાર, દિપાંશી શાસ્ત્રી, વિશાલ જેવા વ્લોગરની રિલ્સ જોઈ એટલે આપણે અભાગિયા કેમ રહી ગયા અને બીજા કેમ જઈ આવ્યા તેવી અનુભૂતિ થયા વિના ન રહે. એ પહોચી જજો.. હું આવી ગયો છું, તમે પણ આવી જજો.. ચાલો મિત્રો.. મેં આ પ્રકારની ડિશ ક્યારેય ટ્રાય કરી નથી. અહાહાહા.. શબ્દો જ નથી.. શું સ્વાદ.. શું ટેસ્ટ.. ભીડ જોવો.. રિલ્સને શેર કરો અને ઓફર્સનો લાભ ઉઠાવો વગેરે વગેરે.. ફૂડ બિઝનેસની જેમ જ ફૂડ વ્લોગરનો બિઝનેસ ફૂલોફાલ્યો છે. ગરમાગરમ ગાંઠિયા-જલેબીની જેમ ઉપડી રહ્યો છે અને રાજકોટના ખાણીપીણીવાળામાં તેની લાવલાવ છે.
અહીંના લોકોનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ છે ફૂડ. જાણે માણસો જીવવા માટે જમતા નથી, જમવા માટે જીવે છે! અને તેમની આ નબળાઈનો સૌથી મોટો અને સીધો ફાયદો ઉઠાવે છે ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે સોશિયલ મીડિયાની એક એવી અનહેલ્ધી એન્ડ અનહાઈજેનિક આઈટમ જેણે ફૂડ વ્લોગરના નામે રીતસર માજા મૂકી છે. સ્વાદના શોખીનો પણ ફૂડ વ્લોગરની ફાંકા ફોજદારીથી આકર્ષાઈ લાળ ટપકાવતા જે-તે જગ્યાએ ફૂડ આઈટમ્સ ટેસ્ટ કરવા પહોંચી જાય છે. અફસોસ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ વીડિયોમાં વાસી વ્યંજનો પણ સ્વાદિષ્ટ દેખાઈ છે, રૂબરૂ પહોંચી ટેસ્ટ કરીએ તો ગાળો દીધા વિના રહીએ નહીં તેવું મોટાભાગે બનતું હોય છે. નોંધ કરજો ગાળોથી બચવા વ્લોગર કોમેન્ટ સેક્સન બંધ રાખતા હોય છે. આવા ફૂડ વ્લોગરની ઝપટે ચડ્યા બાદ જ રાજકોટિયોને રિલ્સ અને રિયલ વચ્ચેનો ફર્ક સમજાયો છે.
- Advertisement -
હકિકતમાં વ્લોગર ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલમાં લાઈક-શેર-વ્યૂ વધતા ભરપૂર કમાણી તો કરવા જ લાગે છે સાથે ખાણીપીણીવાળાઓને પણ ખતરનાક ખંખેરી લેતા હોય છે. હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે કોઈ પ્રકારના કોમનસેન્સ વિના દરેક વાનગીના મીઠુંમરચું ભભરાવી માત્રને માત્ર વખાણ જ કરવામાં આવે છે. જાણે જીભ અને સ્વાદની અસલ પરખ કરવાની શક્તિ એકમાત્ર ફૂડ વ્લોગર પાસે જ છે. તેમણે કહ્યું એટલે બધું જ સારું, સ્વાદિષ્ટ, સ્વચ્છ હોવાનું. હવે મને એ નથી સમજાતું કે રાજકોટના ફૂડ વ્લોગર જ્યાં પણ જાય છે ત્યાં તેઓને દરેક ખાદ્ય ચીજવસ્તુ અફલાતૂન જ કેમ લાગે છે? શું એમને ભગવાને જીભની જગ્યાએ કોઈ અલગ અંગ અને આપણને કોઈ અલગ અંગ આપ્યું છે? કોઈ ફૂડ વ્લોગરની રિલ્સ જોઈ તેઓ કહે ત્યાં ઘેટાંની જેમ ખાવાપીવા દોડી જઈએ પછી આપણી સ્વાદેન્દ્રિય પર શંકા જાય છે ખરું ને?
ખાણીપીણીના ધંધાર્થીઓ બે-પાંચ હજાર રૂપિયા ફેંકી વ્લોગરો પાસે પોતાના પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરતો પ્રમોશનલ વીડિયો બનાવડાવે છે અને સુરેશ પ્રજાપતી, આનંદ સાતા, નીરવ મોદી, સમીર ભીંડે, હંસાબેન પરમાર, દિપાશી શાસ્ત્રી, વિશાલ જેવા કેટલાય ફૂડ વ્લોગરો કોઈપણ એઠવાડને પણ છપ્પનભોગ બનાવી પ્રસ્તુત કરે છે. હવે તો રૂપિયા આપો એટલે તેઓ માત્ર ફૂડ જ નહીં, જમીન-મકાન કે પ્રોડક્ટ-સર્વિસનું પણ પ્રમોશન કરી આપે છે જોકે સોશિયલ મીડિયાની આ કહેવાતા વ્લોગર અંતે તો ગડબડ જ પેદા કરે છે, તેમની વાસ્તવિકતાથી જોજનો દૂરની વાતો આપણા માટે તો બિલકુલ અનહેલ્ધી એન્ડ અનહાઈજેનિક સાબિત થાય છે. કારણ? રાજકોટ ટીઆરપી ગેમઝોનનું માર્કેટિંગ કહો કે પ્રમોશન કહો.. પૈસા લઈ વાહવાહી કરનારા વ્લોગરને મતલબ નથી હોતો કે ત્યાં ફાયર સેફટીથી લઈ નિયમો મુજબ સુરક્ષા-સુવિધા છે કે નહીં? તેમનું એકમાત્ર મકસદ ખનખનીયા લઈ હકડેઠઠ ભીડ ભેગી કરી દેવાનું હોય છે. અનલિમિટેડ ડિસ્કાઉન્ટ, ફ્રિ.. ફ્રિ.. ફ્રિ.. એક્સ્ટ્રા..એક્સ્ટ્રા.. બ્લા..બ્લા.. એ જ રીતે એકપણ ફૂડ વ્લોગર એ ક્યારેય ચેક નથી કરતો કે જે ફૂડ આઈટમના તે પેટ ભરી વખાણ કરે છે એ ફૂડ આઈટમ કોઈ અન્યના પેટમાં જતા જ જીવ જોખમમાં નહીં મૂકી દે ને? કશું જોયાજાણ્યા વિના મંડી પડ્યા પછી કોઈ માણસ ત્યાં જઈ જમશે તો અલ્સર, કેન્સર, ઝાળા-ઉલ્ટી અને ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર બીમારી નહીં થાય ને? ફૂડ પ્લેસ કે ફૂડ આઈટમનું માર્કેટિંગ-પ્રમોશન કરતા પહેલા આટલી અક્કલ વાપરતા કે મહેનત કોઈ જ વ્લોગર નથી કરતા. અને એટલે જ રંગીલા સિટીના સિટિઝન માટે સાવધાન થઈ જવાની સીટી વાગી ચૂકી છે.
ઈતિહાસ સાક્ષી છે, વ્લોગર જેના ગાઈવગાડી વખાણ કરે છે તેને ત્યાં ફૂડ-હેલ્થ ડિપાર્ટમેન્ટના દરોડા વધુ પડ્યા છે!
સૌથી પહેલા તેને તાળા લાગ્યા છે અને દુર્ઘટનાઓ પણ ત્યાં જ વધુ સર્જાય છે. સૌથી ખરાબ અનુભવ કરાવવામાં આ લોકો પહેલા છે. ફાયર સેફટીના સાધનો તો દૂરની વાત છે ત્યાં હાઈજીનના નામે જીવ હાઈ હાઈ પોકારી ઉઠે એવા દૃશ્યો જોવા મળતા હોય છે. જેને પાકકલાનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી, ઊંડો અભ્યાસ નથી તે ફૂડ ટેસ્ટ અને ક્વાલિટી-કોન્ટીટીના નામે તેમના યૂઝર્સને ફૂલ બનાવી એક પ્રકારની ફેક ઈન્ફો ફેલાવે છે વળી યૂઝર્સ પણ વ્લોગરની ચાસણી જેવી ચીકણી-મીઠડી વાતોમાં આવી લપસ્યા વિના રહેતા નથી અને સપરિવાર સ્નેહીઓ જોડે પહોંચી જાય છે જેતે સ્વાદના સરનામે.. પણ આ સ્વાદનું સરનામું ક્યાંક સ્વર્ગની સીડી ન બને એ માટે સ્વાદના શોખીન અને સોશિયલ મીડિયા યૂઝર્સ ચેતી જજો.. વ્લોગરની ગળીગળી વાતોમાં આવીને ક્યાંક ડાયાબિટીસ કે ડેથને ન નોતરી લેતા..
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પછી ઘણા લોકોએ તેનો ખોટેખોટો પ્રમોશનલ વીડિયો બનાવી મસમોટું માર્કેટિંગ કરનારા વ્લોગરને મણમણ ભરીને કારેલાના જ્યુસ કરતાય કડવી ગાળો કાઢી રહ્યા છે. વાત અહીંથી પૂરી નથી થતી. જનતા ગેરમાર્ગે દોરાઈને કોઈ દુર્ઘટનાનો ભોગ બને, અન્ય આર્થિક-શારીરિક નુકસાની વહોરે તે માટે ફેંકમફેંક કરી ફેક રિલ્સ બનાવનારાઓ પર ગુનો દાખલ થવો જોઈએ એવી લોકલાગણી ઉઠી છે. ટીઆરપી ગેમઝોન દુર્ઘટના એ લાલબત્તી છે, 99 રૂ.ની ઓફરવાળી રિલ્સમાં લાઈક કરી ટીઆરપી ગેમઝોનમાં લાઈફ ગુમાવનારાઓ સિવાયના લોભામણી રિલ્સ જોઈ ઘેટા બની ક્યાંય પણ લાભ લેવા દોડી ન જશો. મનોરંજન સાથે મનગમતી વાનગીઓ પીરસતા પ્લેસમાં મોત તો નહીં મળે ને? તેની ચકાસણી કરી લેજો. ગેમઝોનની આખીયે દુ:ખદ દુર્ઘટના બાદ આપણે એટલું જ શીખવાનું, સમજવાનું, સ્વીકારવાનું છે કે એફબી, ઈન્સ્ટા, યુટ્યુબના વ્લોગરના એકપણ પ્રમોશનલ અને માર્કેટિંગ કરતા વીડિયોને વાસ્તવિકતા સમજીને ગમે ત્યાં ગમે ત્યારે જીભથી લઈ જીવને મજા કરાવવા પહોંચી જવું નહીં.
બે-પાંચ હજારમાં એઠવાડને પણ છપ્પનભોગ બનાવી પ્રસ્તુત કરનારા ફૂડ વ્લોગર યંગ જનરેશનને ચઢાવે છે ઊંધા રવાડે
સુરેશ પ્રજાપતી, આનંદ સાતા, નીરવ મોદી, સમીર ભીંડે, હંસાબેન પરમાર, દિપાંશી શાસ્ત્રી, વિશાલ જેવા ફૂડ વ્લોગરની રિલ્સને આધારે કેટલા છેતરાયા અને કેટલા ખાટ્યા?