ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રી પૂર્ણ થતાંની સાથે હવે બજારમાં ધીમે ધીમે દિવાળીનો માહોલ જામી રહ્યો છે. લોકો હાલ જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા બજારમાં આવતા હોય છે અને મોટી હોટેલમાં જમવાના બદલે નાની મોટી નાસ્તાની દુકાનમાં આવી પહોંચતા હોય છે. ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ હલકી ગુણવતાની ચીજ વસ્તુઓ વાપરી લોકોને પીરસતા હોય છે જેના કારણે દર્દીઓમાં ઝાડાં-ઉલટી કે અન્ય બીમારી થવાનો ભય હોય ફૂડ વિભાગ સમયાંતરે ઓચિતું ચેકિંગ હાથ ધરે તે જરૂરી છે. તાજેતરમાં નવરાત્રી પર્વ બાદ દશેરા નિમિતે અલગ અલગ સમયે મોરબી જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઈન્ચા. ઓફિસર એ એમ પટેલના માર્ગદર્શનમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા મોરબી શહેર ઉપરાંત હળવદ, વાંકાનેર અને ટંકારા સહિતના વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મોરબી શહેરની 20, ટંકારાની 4, વાંકાનેરની 8 તેમજ હળવદની 8 મળી જીલ્લાની કુલ 40 દુકાનમાંથી જલેબી, ફાફડા, બેસન, તીખા તળેલા ગાંઠિયા તેમજ આ મીઠાઇ કે ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મટીરિયલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ કલેક્ટ કરી તપાસ અર્થે ગાંધીનગર ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેના પરિણામ પણ સામે આવશે ત્યારે જે પણ 40 સ્થળોથી સેમ્પલ લેવામાં આવ્યા હતા તે દુકાનદારોમાંથી જે પણ ભેળસેળ યુક્ત પદાર્થનો ઉપયોગ કરતા માલુમ પડશે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ખાતરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આખરે ફૂડ વિભાગ જાગ્યો: મોરબીની 40 દુકાનમાંથી ખાદ્યચીજોનાં નમૂના લેવાયા



