CM રૂપાણીની ગત અઠવાડિયાની કામગીરી : ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’નાં મોદી મંત્રને સાર્થક કરતા નિર્ણયો-જાહેરાતો
અગરિયાઓ માટે મહત્વપૂર્ણ સહાયની જાહેરાત, વરિષ્ઠ સચિવોને સંભવિત ત્રીજી લહેરની જવાબદારી, સીમા દર્શનનું આગળ ધપતું કામ, નવલખી બંદર પર નવી જેટ્ટીને મંજૂરી સહિત અનેક કાર્યો…
1. અગરિયાઓને પ્રતિ એકર રૂપિયા 3000ની આર્થિક સહાય અપાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તાઉ’તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગરિયાની ચિંતા કરીને તેમને પણ આર્થિક સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા 3000ની સહાય આપવાનો રૂપાણી સરકારે નિર્ણય કર્યો છે.
2. રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના આગોતરા આયોજનથી કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, આરોગ્ય વ્યવસ્થા સુદૃઢ બને અને રાજ્યની હોસ્પિટલોમાં બેડ વગેરે વ્યવસ્થાઓનું રીયલ ટાઈમ મોનિટરિંગ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યના વરિષ્ઠ સચિવોને જવાબદારીઓ સોંપી છે. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સરકારના વરિષ્ઠ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
- Advertisement -
3. ઝીરો પોઈન્ટ ખાતે સીમાદર્શન અંતર્ગત રૂ. 125 કરોડનાં અંદાજિત ખર્ચે પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત-પાકિસ્તાન સરહદ પર બનાસકાંઠામાં આવેલા છેવાડાનાં વિસ્તાર નડાબેટ ખાતે સીમાદર્શન અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમનાં હાથ ધરાઈ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ સમા સીમાદર્શનનો આ પ્રોજેક્ટ અંદાજિત 125 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામી રહ્યો છે અને આગામી 15 ઓગસ્ટ-ર021 પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે. નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઈન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ચાર ફેઈઝમાં હાથ ધરાઈ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ આ કામોમાં ફેઈઝ-1નાં કામો જે અંદાજે રૂ. 23 કરોડનાં ખર્ચે પૂર્ણતાને આરે છે તે કામો અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંપૂર્ણ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ફેઈઝ-2નાં કુલ 32 કરોડનાં ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું.
4. નવલખી બંદરની નવી જેટીના બાંધકામ માટે રૂપિયા 192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નવલખી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂ.192 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નવલખી સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે આવેલું અને મીઠા, કોલસા તથા સિરામીક, મશીનરી ઉદ્યોગોના માલ-સામાન પરિવહન માટેનું અગત્યનું બંદર છે. આ બંદરની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા 8 મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે, તેને ભવિષ્યમાં વધારીને 20 મિલિયન મેટ્રીક ટન પ્રતિવર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.ભારત સરકાર દ્વારા આ હેતુસર નવેમ્બર-20માં પર્યાવરણ અને ઈછણ મંજૂરીઓ પણ રાજ્ય સરકારને મળી ગઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ નવલખી બંદર પર 485 મીટરની જેટી નિર્માણના અંદાજિત રૂ. 192 કરોડના કામોની જે મંજૂરી આપી છે તેમાં 100 મીટર લંબાઈ જેટીના કોસ્ટલ કાર્ગો માટે ઉપયોગમાં લેવા મીકેનાઈઝ્ડ સિસ્ટમ સાથેના અંદાજિત રૂ. 108 કરોડના ખર્ચે કામો હાથ ધરવામાં આવશે.
5. સબસિડીવાળા યુરિયા ખાતર કરતાં 10% ઓછા ભાવે નેનો યુરિયા-લિક્વિડ ઉપલબ્ધ કરાવાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નક્કી કર્યું છે કે, ખેડૂતોના હિતમાં તેમની ભૂમિ-જમીનનું સંતુલન જળવાઈ રહે અને સબસિડીવાળા યુરિયા કરતાં પણ 10% ઓછા ભાવે નેનો યુરિયા-લિકિવિડ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈફકો-કલોલ યુનિટ દ્વારા ઉત્પાદિત પર્યાવરણ અનુકૂળ વિશ્વના પ્રથમ નેનો યુરિયા ખાતર-લિકિવિડના જથ્થાને આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ઈફકો ક્લોલના નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા વિશ્વમાં સૌપ્રથમ નેનો યુરિયા-લિકિવિડ વિકસાવવાની નવતર પહેલ કરી છે.
- Advertisement -
6. ગીર-સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે 102 કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્ર દરિયા કિનારાના ગીર-સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂ. 102 કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે. મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારના લાખો નાગરિકો અને ગામોના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખી આ યોજના મંજૂર કરી છે. આ યોજનાના પરિણામે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના 23 ગામોની અંદાજે 2110 હેકટર વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકતા જમીન વધુ ફળદ્રૂપ બનશે. આ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે ગીર-સોમનાથ જીલ્લામાં રૂ. 101.99 કરોડના ખર્ચે આદ્રી બંધારાથી મૂળ દ્રારકા બંધારા સુધીમાં સ્પ્રેડિંગ કેનાલ 40.50 કીમીમાં બનાવવામાં આવશે. ક્રોસ ડ્રેનેજ વર્ક, નેશનલ હાઈવે અને રેલવે ક્રોસિંગ વગેરે મળીને નાના મોટા 81 જેટલા સ્ટ્રક્ચર્સ પણ બનાવવામા આવશે.
7. 21 જૂન 2021થી 18થી 44ની વયનાં લોકો માટે વોકઈન વૅક્સિનેશન
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અભૂતપૂર્વ નિર્ણય લીધો છે કે, ગુજરાતમાં 18થી 44ની વયજૂથનાં લોકોને આગામી સોમવાર તારીખ 21મી જૂન 2021થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યનાં વેક્સિનેશન સેન્ટર પરથી વોકઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. હાલ 18થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ જખજ દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારનું પ્રાયર રજીસ્ટ્રેશન કરાવીને જખજ મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે. આ સાથે જ 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજીસ્ટ્રેશન સિવાય એટલે કે, વોકઈન રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરનાં બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનનાં ડોઝની ઉપલબ્ધતાનાં આધારે વેક્સિનેશન કરવામાં આવશે.
8. 21મી જૂનથી રાજ્યવ્યાપી કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા તા. 21મી જૂન સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન ઉત્સવમાં ભાગ લેશે.