પૂરગ્રસ્ત વિસ્તારોમાં SDRF દ્વારા બચાવકાર્ય શરૂ: 45થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા
ખાસ-ખબર ન્યૂઝ ઉત્તરાખંડ, તા.8
- Advertisement -
ચોમાસુ હવે આખા દેશભરમાં જામી ગયું છે. મોટાભાગના રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુંબઈ, ઉત્તરાખંડ, આસામ, ગોવા અને રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તરાખંડમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અહીં વરસાદ જાણે આફત બનીને વરસ્યો હતો. રુદ્રપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના પગલે એસડીઆરએફની ચાર ટીમ તહેનાત કરીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અનેક બોટનો ઉપયોગ કરીને લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ઉધમસિંહ નગર અને ચંપાવત જિલ્લાની વાત કરીએ તો ત્યાં તો છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ આવ્યા હતા. અત્યાર સુધી 45થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડાયાની માહિતી છે. ઉત્તરાખંડ એક પર્વતીય રાજ્ય હોવાને લીધે ત્યાં ભારે વરસાદને પગલે પહાડોમાં ઠેર ઠેર ભૂસ્ખલનની સ્થિતિ પણ જોવા મળી હતી. જેના કારણે અનેક રસ્તાઓ ઠપ થઇ ગયા હતા. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. નેશનલ હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી હતી. દહેરાદૂનમાં તો વરસાદના પાણીથી ભરેલા એક ખાડામાં પાંચ વર્ષનો બાળક અને હરિદ્વારના નાળામાં એક કિશોર ડૂબી ગયો હતો. ઋષિકેશમાં અનેક ઘાટ ડૂબી ગયા હતા. ગંગા નદી પણ ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી હતી. સતત વરસાદને પગલે અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા હતા.