આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની જવા પામી છે . પહાડી વિસ્તારોમાં સતત વરસાદને કારણે મોટાભાગની નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને વિવિધ ભાગોમાં ઘણી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રા નદીમાં જળસ્તર વધવાને કારણે ગુવાહાટી અને જોરહાટમાં નિમતી ઘાટ પર બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે શિવસાગર જિલ્લામાં એક મૃત્યુ થયાનું સામે આવ્યું છે , જે આ વર્ષના પૂરમાં મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે. હાલમાં 17 જિલ્લા પૂરની ઝપેટમાં છે, જેના કારણે 1,90,675 લોકો પ્રભાવિત થયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત લખીમપુર જિલ્લો છે, જયાં 47,338 લોકો પ્રભાવિત થયા છે, ત્યારબાદ ધેમાજી જિલ્લો છે જયાં 40,997 લોકો પ્રભાવિત થયા છે. કુલ મળીને 427 લોકોએ બે રાહત શિબિરોમાં આશ્રય લીધો છે, જયારે 45 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતત્રં અને એસડીઆરએફ વિવિધ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહ્યા છે. ડિબ્રુગઢ, ધુબરી, તેજપુર અને જોરહાટના નિમતી ઘાટ પર બ્રહ્મપુત્રા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બેકી, જિયા–ભારાલી, ડિસાંગ, દિખો અને સુબાનસિરી નદીઓએ પણ લાલ નિશાન વટાવી દીધું છે.
- Advertisement -
નૌકા સેવાઓ સ્થગિત રહેશે
આંતરિક જળ પરિવહન વિભાગે જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રાના વધતા જળ સ્તરને ધ્યાનમાં રાખીને ગુવાહાટીમાં નૌકા સેવાઓ મંગળવારથી સ્થગિત રહેશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નિમ્તી ઘાટ અને માજુલી વચ્ચેની ફેરી સેવાઓ ઉંચા વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે સ્થગિત કરવામાં આવી છે
1.30 લાખ પશુઓને પણ અસર
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે હાલમાં 8,086.40 હેકટર પાકની જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે અને 1,30,514 પ્રાણીઓને અસર થઈ છે, જેમાં 81,340 મોટા પશુઓ અને 11,886 મરઘાંનો સમાવેશ થાય છે
પૂરના કારણે વ્યાપક નુકસાન
પૂરના પાણીને કારણે કેટલાક વિસ્તારોમાં બાંધેલા તટના બંધ તૂટાની જાણ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રસ્તાઓ, પુલ, ઇલેકિટ્રક થાંભલા અને શાળાઓ સહિત અન્ય જગ્યાઓ અને વસ્તુઓને પણ પૂરને કારણે નુકસાન થયું છે. બરપેટા, વિશ્વનાથ, ધુબરી, લખીમપુર, મોરીગાંવ, નલબારી, શિવસાગર, સોનિતપુર, તિનસુકિયા અને ઉદલગુરીમાંથી ધોવાણ નોંધાયું છે