ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધતાં જતાં છેત્તરપિંડીના કિસ્સાઓ વચ્ચે મવડી પ્લોટના લક્ષ્મીનગરમાં આવેલ ફ્લિપકાર્ટ કંપનીની ઓફિસમાંથી ડિલિવરી બોયે 3.76 લાખના 32 મોબાઇલની ચોરી કરી લેતા માલવિયાનગર પોલીસે ચોરી અંગે ગુનો નોંધી ડિલિવરી બોય આરોપીને સકંજામાં લઇ તેની પાસેથી મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના ચંદ્રેશનગર પાસે રાજનગર સોસાયટીમાં રહેતા અને ફ્લિપકાર્ટ કંપનીમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે નોકરી કરતાં મહેશભાઇ મોહનભાઇ રાઠોડએ તેની કંપનીના ડિલિવરી બોય વિવેક જાદવભાઇ શિયાળ સામે ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી ઓફિસમાં કુરિયર દ્વારા તમામ માલ સામાન આવતો હોય અને તે સામાન અમારા 125 જેટલા ડિલિવરી બોય મારફતે જે તે ગ્રાહકોને મોકલવામાં આવતો હોય છે.
- Advertisement -
તા.9-1ના કંપનીની મેનેજમેન્ટ ટીમ દ્વારા તમામ કર્મચારીને બોલાવી બધાની પૂછતાછ કરી તલાશી લેતા ડિલિવરી બોય વિવેક શિયાળના બેગમાંથી એક મોબાઇલ મળી આવ્યો હતો જેથી તેની પૂછતાછ કરતાં તેને આ મોબાઇલ કંપનીમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું અને તેને વધુ મોબાઇલની ચેારી કરી હોવાનું અને તે તમામ મોબાઇલ પરત આપી દેવા માટે લઇ આવવાનું કહી કંપનીમાંથી ગયા બાદ પરત નહીં આવી નાસી ગયો હતો કંપનીમાંથી કેટલી વસ્તુઓની ચોરી થઇ તે અંગે તપાસ કરતાં અલગ અલગ કંપનીના 3.76 લાખના 32 મોબાઇલ ન મળતા વિવેક સામે ફરિયાદ કરી હોવાનું જણાવતા પીએસઆઇ વી.કે. ઝાલા સહિતના સ્ટાફે ડિલિવરી બોય વિવેક સામે મોબાઇલ ચોરીનો ગુનો નોંધી તેને સકંજામાં લઇ મુદામાલ કબજે કરવા કાર્યવાહી
કરી છે.



