સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટને ઈમરજન્સી ઉડાન માટે રખાયા તૈયાર: મુસાફરોને આગોતરી જાણ કરી દેવાતા રાહત
ખાસ-ખબર સંવાદદાતા
આખા સૌરાષ્ટ્ર ઉપર ‘બિપરજોય’ નામની વાવાઝોડારૂપી કુદરતી આફત ઝળુંબી રહી છે અને આ વાવાઝોડું ગમે ત્યારે સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સલામતિના તમામ પગલાંઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ ઉપર આજે એક પણ ફ્લાઈટ ઉડાન નહીં ભરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ એરપોર્ટમાં રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગર, પોરબંદર, ભૂજ, દિવ સહિતનો સમાવેશ થાય છે.
- Advertisement -
અહીંથી તમામ ફ્લાઈટોની ઉડાન ગઈકાલથી જ બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આજે વાવાઝોડાનો ખતરો ટળી ગયા બાદ આવતીકાલે ફ્લાઈટની ઉડાનને મંજૂરી આપવી કે નહીં તેનો સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના એરપોર્ટ ઉપરથી એક પણ ફ્લાઈટે ઉડાન ન ભરી હોવાની ઘટના ઘણા લાંબા સમય બાદ બની છે.
રાજકોટ એરપોર્ટ ઉપરથી આજે બે ફ્લાઈટ ઉડાન ભરવાની હતી પરંતુ તેના સંચાલન ઉપર એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગઈકાલ સાંજથી જ રોક લગાવી દેવામાં આવી છે. રાજકોટનું એરપોર્ટ અત્યારે ચાલું રાખવામાં આવ્યું છે કેમ કે અહીં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર તેમજ જવાનો રેસ્ક્યુ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવ્યા હોય ગમે ત્યારે ઈમરજન્સીમાં ઉડાન માટે તેમને સજ્જ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈમરજન્સી ફ્લાઈટ માટે એરપોર્ટને ચાલું રાખવામાં આવ્યું છે.
આવી જ રીતે જામનગર એરપોર્ટ ઉપરથી એક જ ફ્લાઈટ મુંબઈ માટે ઉડાન ભરી રહી છે જેને પણ રદ્દ કરવામાં આવી છે. આવી જ રીતે ભાવનગર એરપોર્ટ પરથી પૂના માટેની ફ્લાઈટનું સંચાલન થઈ રહ્યું હતું જેને પણ રદ્દ કરવામાં આવ્યું છે. આ બન્ને એરપોર્ટ ઉપર ગઈકાલથી જ ફ્લાઈટની ઉડાન ઉપર રોક લગાવી દેવામાં આવી હતી. જ્યારે દીવ એરપોર્ટ ઉપર મુંબઈ માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી તેને રદ્દ કરવા ઉપરાંત પવનહંસ હેલિકોપ્ટરની ઉડાનને પણ મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે પોરબંદર, કેશોદ, ભૂજ સહિતના એરપોર્ટ ઉપરથી પણ ફ્લાઈટના સંચાલનને રદ્દ કરવામાં આવ્યું છે.
- Advertisement -
વાવાઝોડાની અસરના લીધે કાલે પ્રદ્યુમન પાર્ક, રામવન, રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલ, મ્યુઝિયમ બંધ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય અને રામવન તા. 14 અને તા. 15 જુનના રોજ બંધ રાખવામાં આવેલા હતા. જે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને સાવચેતીરૂપે તમામ આવતીકાલે તા. 16 જુનના રોજ પણ બંધ રાખવામાં આવશે તેમ, મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ઈ.ચા. મ્યુનિ. કમિશન અનિલ ધામેલિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઈ.ચા. મ્યુનિ. કમિશનરએ નાગરિકોને જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં ભારે પવન કે વરસાદની સ્થિતિ દરમ્યાન નાગરિકોએ પોતે કે પોતાના બાળકો, વાહનો વિગેરેને વૃક્ષો નીચે રાખવા નહી તથા રસ્તાઓ પર વાહનો ચલાવતી વખતે સાવચેતી રાખવી અને પોતાની જાત તથા જાનમાલને નુકશાની ન થાય એ માટે સચેત રહેવા અને તંત્રને સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવે છે.