ઈન્ડિગો એરલાઇન્સના પાયલોટે લેન્ડિંગ માટે રાજકોટ ATC પાસે મંજૂરી માંગી
પેસેન્જરને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ એરપોર્ટ પર આજે 25 જુલાઈએ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગો એરલાઇન્સની અબુધાબીથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં સવાર મુસાફરને હાર્ટની તકલીફ થતા ઉભી થયેલી મેડિકલ ઇસ્યૂના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. આ ઘટનાને પગલે રાજકોટ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તમામ જરૂરી તબીબી સુવિધાઓ સજ્જ કરવામાં આવી હતી. ઈન્ડિગો એરલાઇન્સનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આજે ફ્લાઈટ નંબર 6ઊ-1836 (અબુધાબી-બેંગ્લોર) તેના નિર્ધારિત રૂટ ઉપર હતી. ત્યારે એક 55 વર્ષીય પુરુષ મુસાફરને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. ફ્લાઈટમાં હાજર ક્રૂ મેમ્બર્સ દ્વારા પ્રાથમિક સારવાર આપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ મુસાફરની હાલત વધુ ગંભીર બનતી જતી હોવાથી, કેપ્ટને એર ટ્રાફિક કંટ્રોલ (અઝઈ)નો સંપર્ક કરી રાજકોટમાં તાત્કાલિક લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી. રાજકોટ અઝઈ દ્વારા તુરંત મંજૂરી આપવામાં આવી હતી. અને એરપોર્ટ પર એમ્બ્યુલન્સ સહિતની મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હતી. ઇન્ડિગોની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. ફ્લાઈટના લેન્ડ થતાની સાથે જ મેડિકલ ટીમ તાત્કાલિક વિમાનમાં પ્રવેશી હતી. તેમજ મુસાફરને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ, મુસાફરને તુરંત જ એરપોર્ટ પર ઉપલબ્ધ એમ્બ્યુલન્સ દ્વારા શહેર નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ મુસાફરની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.