અન્ય ફ્લેટ ધારકોએ યોગ્ય કાર્યવાહી કરવા મેયર, કમિશનર અને ટી.પી શાખાને અરજી કરી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ શહેરના કૈલાશધારા સોસાયટી, સંતોષ પાર્કમાં આવેલા સીટી ઈલાઈટ એપાર્ટમેન્ટની વીંગ અમાં રહેતા ફ્લેટ ધારકો વિરૂધ્ધ ફ્લેટમાં મંજૂરી વગર મોટા રવેશ કાઢવાની બાબત અંગે એજ એપોર્ટમેન્ટના અન્ય ફ્લેટ ધારકોએ તેમના વિરૂધ્ધ મેયર, કમિશનર અને ટી.પી.શાખાને ફરિયાદરૂપી અરજી કરી છે. આ અરજીમાં અન્ય ફ્લેટ ધારકાએ જણાવ્યું છે કે, વીંગ અમાં રહેતા અમુક ફ્લેટ ધારકોએ કોઈની મંજૂરી વગર મસમોટા વજન વાળા રવેશ બહાર કાઢ્યા છે.
સોસાયટીમાં રહેતા સભ્યો કે બિલ્ડરની પણ મંજૂરી લીધી નથી. તેમના આ કૃત્યને કારણે અકસ્માત કે જાનહાની થવાની પૂરી સંભાવના છે. તેથી જો કોઈ અઘિટત ઘટના બને તો તેના માટે સોસાયટીના અન્ય સભ્યોને જવાબદાર ગણવા નહીં. આમ સોસાયટીના 14 લોકોએ આ ગેરકાયદે રવેશ કાઢવાની બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મેયર, કમિશનર અને ટી.પી.શાખાને અરજી કરી છે.
બિલ્ડરે છ મહિના અગાઉ સોસાયટી સોંપી આપેલી, બાદમાં અમુક ફ્લેટધારકોએ ગેરકાયદે બાંધકામ ખડક્યું
રૈયારોડ પાસે કૈલાશધારા પાર્કમાં આવેલા સિટી ઈલાઈટ લકઝરીયસ થ્રિ-ટુ બીએચકે ફ્લેટનું બાંધકામ બિલ્ડર દ્વારા કોર્પોરેશન – ટાઉનપ્લાનિંગ શાખાના ધારાધોરણ મુજબ કરવામાં આવ્યું હતું અને છ મહિના અગાઉ બિલ્ડર દ્વારા સિટી ઈલાઈટનો સંપૂર્ણ વહિવટ ત્યાંના રહીશોને સોંપી દેવામાં આવ્યો હતો. સોસાયટી બન્યા બાદ સિટી ઈલાઈટ વિંગ-એના કેટલાંક ફ્લેટધારકોએ પોતપોતાના ફ્લેટની બાલ્કની બહાર ખેંચી લીધી હતી અને કોર્પોરેશન – ટાઉનપ્લાનિંગ શાખાના નિયમોનો ઉલાળીયો કર્યો હતો. સિટી ઈલાઈટના ફ્લેટધારકોએ ખડકેલા ગેરકાયદે બાંધકામનો ત્યાના જ અન્ય ફ્લેટધારકોએ વિરોધ કર્યો હતો કારણ કે, સિટી ઈલાઈટમાં ફ્લેટની બહાર બાલ્કની સ્વરૂપે હવામાં જૂલતું ગેરકાયદે બાંધકામ મોતના માચડા સમાન છે જે ગમે ત્યારે નીચે પડી મોટી જાનહાનિ સર્જી શકે તેમ છે.


