ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશભરમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આજના આ સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી ઠેર-ઠેર કરવામાં આવી રહી હતી અને રાજકોટ આખું રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે, ચૌધરી હાઈસ્કૂલ અને જિલ્લા કક્ષાની ઉજવણી લોધીકા ખાતે કરી ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પરેડ ગ્રાઉન્ડ ખાતે આજના 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ તકે જુદી-જુદી કુલ 9 જેટલી પ્લાટુન દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પોલીસ કમિશનર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે આજના આ કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ બાદ શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્વની કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.