ગ્રામજનોની લાલ આંખ બાદ ખાણ ખનીજ વિભાગે કામગીરીનો ડહોળ કરીને શહેરમાંથી વધુ એક ટ્રક ઝડપી પાડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
હળવદની સરા ચોકડી તેમજ માથક પાસેથી દિવસ રાત સફેદ અને લાલ માટીના ડમ્પરો માતેલા સાંઢની માફક દોડતા હોય છે જેમાં લાયસન્સ વિનાના ડ્રાઈવરો, નંબર પ્લેટ વિનાના અને ઓવરલોડ ડમ્પરો સામેલ છે જોકે જ્યારે એલસીબી કે એસએમસી જેવી ટીમ હળવદ પંથકમાં કામગીરી કરી જાય એટલે ખાણ ખનીજ વિભાગ આળસ મરડીને જાગતું હોય છે અને કામગીરી કરી હોવાનો ડહોળ કરતું હોય છે ત્યારે આવું જ હળવદ તાલુકામાં ફરી એકવાર સામે આવ્યું છે જેમાં હળવદ તાલુકાના દીઘડીયા ગામે માતેલા સાંઢ માફક દોડતા ડમ્પરો સામે ગ્રામજનોએ લાલ આંખ કરી છે અને જનતા રેડ કરીને ખાણ ખનીજ વિભાગ અને પોલીસને જાણ કરી હતી જેથી કરીને મજબૂર થયેલા ખાણ ખનીજ વિભાગે નાછૂટકે કાર્યવાહીનો ડહોળ કરવો પડ્યો છે જેમાં દીઘડીયા ગામેથી પાંચ ડમ્પરો હળવદ પોલીસ મથકે લાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીઘડીયા ગામે જનતા રેડ થતા ખાણ ખનીજ વિભાગને પણ કામગીરીનો અહેસાસ થયો અને હળવદ શહેરમાં એપીએમસી પાસેથી એક ડમ્પર પકડી પાડ્યું હતું જેને પણ હળવદ પોલીસ મથકે લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં માતેલા સાંઢ માફક દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવાની જવાબદારી કોની ? ખાણ ખનીજ વિભાગની કે જનતાની ? તેવા વેધક સવાલો ઉઠી રહ્યાં છે. દીઘડિયા ગામેથી પકડાયેલા વાહનોની વિગત જોઈએ તો, જીજે 13 એએક્સ 7444 નંબરના ટ્રક સાથે રણછોડભાઈ કરશનભાઈ અઘારા, જીજે 36 વી 9381 નંબરના ટ્રક સાથે સહદેવભાઈ વજાભાઈ ઢવાણીયા, જીજે 13 એએક્સ 8588 નંબરના ટ્રક સાથે વિહાભાઈ મોતીભાઈ, જીજે 13 એએક્સ 7046 નંબરના ટ્રક સાથેમ અરવિંદભાઈ રત્નાભાઈ અને જીજે 13 એડબલ્યુ 8488 નંબરના ટ્રક સાથે બિજલભાઈ લક્ષ્મણભાઈ તેમજ એપીએમસી પાસેથી જીજે 12 બીડબલ્યુ 6676 નંબરના ટ્રક સાથે લક્ષ્મણભાઈ કેસાભાઈ નામના આરોપીઓ ઝડપાયા હતા. આમ, ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 1 કરોડ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.