મોરારિબાપુના હસ્તે સ્મૃતિચિહ્ન, શાલ અને રૂ. 51,000ની ધનરાશિ એનાયત થશે; તા. 2 ઓક્ટોબરે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં સમારોહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રનું શિરમોર અખબાર અને લોકોની વાચા-વિચારધારા સમાન ’ફૂલછાબ’ વર્તમાનપત્ર આગામી તા. 2 ઓક્ટોબર, 2025 ને ગુરુવારના રોજ તેના પ્રજાલક્ષી પત્રકારત્વના 104 વર્ષ પૂર્ણ કરીને 105મા વર્ષમાં પ્રવેશ કરશે. વિજયાદશમીના મંગલ દિવસે ફૂલછાબ તેની પરંપરા મુજબ વિશેષ લેખો સાથેનો દળદાર વિશેષાંક પણ પ્રકાશિત કરશે.
- Advertisement -
આ પાવન અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સેવા, ઉદ્યોગ, કૃષિ, રમતગમત અને કળા ક્ષેત્રે માતબર યોગદાન આપી સિદ્ધિ પ્રાપ્ત કરનાર પાંચ પ્રતિભાસંપન્ન વ્યક્તિઓને ’ફૂલછાબ એવોર્ડ’ અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહ રૈયા રોડ પર આવેલા રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં બપોરે 3 થી 5 દરમિયાન યોજાશે. આ એવોર્ડમાં સન્માનનીય વ્યક્તિઓને પૂજ્ય મોરારિબાપુના હસ્તે સ્મૃતિચિહ્ન, શાલ અને રૂ. 51,000ની ધનરાશિ અર્પણ કરવામાં આવશે.
સમારોહમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા, ટ્રસ્ટી સંજય એન્કરવાલા તથા સીઇઓ-ગ્રુપ એડિટર કુંદન વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સમગ્ર પ્રકલ્પને સહયોગ આપનારા રાજકોટના ઉદ્યોગપતિઓ મૌલેશ ઉકાણી, અમુભાઈ ભારદિયા, પરાક્રમસિંહ જાડેજા, મનીષ માદેકા, કમલનયન સોજિત્રા પણ આ કાર્યક્રમમાં જોડાશે. ફૂલછાબના વાચકો તેમજ રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ફૂલછાબના તંત્રી જ્વલંત છાયાએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષની જેમ આ પાંચ ક્ષેત્રોમાં એવોર્ડ અપાશે. ફૂલછાબના મેનેજર નરેન્દ્ર ઝીબાએ આ અંગેની માહિતી આપી હતી.
ક્ષેત્ર સન્માનનીય વ્યક્તિ
કળા કૌશિક સિંધવ (નાટ્ય દિગ્દર્શક-અભિનેતા)
રમતગમત જયદેવ ઉનડકટ (જાણીતા ક્રિકેટર)
સેવા અરુણ દવે (લોકસભારતી સણોસરા)
ઉદ્યોગ ધીરજલાલ સુવાગિયા (ફાલ્કન પંપ)
કૃષિ બલદેવ ખાત્રાણી (ગુલાબના કૃષિકર્મી)



