ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના લાતી પ્લોટમાં મંડપ સર્વિસના ગોડાઉનમાંથી રૂ. 1.68 લાખના સામાનની ચોરી કરનાર પાંચ શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે. આ સાથે ચોરીમાં સંડોવાયેલ એક સગીર વયના આરોપીને પણ પોલીસે પકડી પાડ્યો છે. ઉપરાંત પોલીસે ચોરીનો માલ ભંગારના ડેલામાંથી રિકવર પણ કર્યો છે. મોરબીના લાતીપ્લોટમાં આવેલ શિવ મંડપ સર્વીસમાંથી રૂ. 1.68 લાખની અલગ અલગ વસ્તુઓની ચોરી થયેલ હોય જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ શખ્સો એક વાહનમાં ફરતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ચોરીમાં ઉપયોગ થયેલ સુપર કેરી લોડીંગ વાહનમાંથી ચાર ઈસમો લીલાપર રોડ સરકારી આવાસ યોજના સામેથી મળી આવતા તેઓને વિશ્વાસમાં લઈ યુકિત પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ આ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
આરોપીઓએ ચોરીનો માલ હાજીભાઇ મુસાભાઇ ખુરેશીને આપ્યો હોવાની માહિતી આપતા પોલીસે મોરબીના સર્કીટ હાઉસ સામે આવેલ ભંગારના ડેલામાંથી ચોરી થયેલ મુદામાલ રીકવર કર્યો હતો તેમજ આરોપી હિતેશભાઇ દીલીપભાઇ પાટડીયા, અજયભાઇ સવજીભાઇ કુંઢીયા, હાજીભાઇ મુસાભાઇ અને આશીફભાઇ હમીદભાઇ શેખની ધરપકડ કરી હતી જે બાદ એક સગીર વયના બાળકિશોરની સંડોવણી ખુલતા તેને જુવેનાઈલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો અને માલવાહક વાહન તેમજ મંડપ સર્વિસના સામાન સહિત રૂપિયા 3,68,750 નો મુદામાલ રિકવર કર્યો હતો.



