ખળખળ વહેતું પાણી, વૃક્ષોની હરિયાળી, મોરના ટહૂકા અને સૂર્યનું સાનિધ્ય
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
દર વર્ષે 18મી જૂનના દિવસે ’આંતરરાષ્ટ્રીય પિકનિક ડે’ ઉજવવામાં આવે છે. વ્યસ્ત સમયમાંથી પણ થોડો સમય કાઢી અને દોસ્તો અને પરિવારજનો સાથે ઉત્તમ પળો પસાર કરી શકાય એ માટે 18મી જૂનના રોજ ’આંતરરાષ્ટ્રીય પિકનિક ડે’ની ઉજવણી કરવામાં આવે છે.
- Advertisement -
પિકનિક શબ્દ મૂળ ફ્રેંચમાંથી આવ્યો છે. ટૂ પેક-એટલે કે ભોજન અને નેક-એટલે કે હળવું. આ બન્ને શબ્દને જોડીને શબ્દ બન્યો છે પિકનિક. વર્ષ 1748માં ’પિકનિક’ શબ્દ અંગ્રેજીમાં પ્રચલિત થયો. વર્ષ 1846માં થોમસ કોલે ’અ પિકનિક’ નામનું સુંદર દ્રશ્ય દોરેલું. જેમાં નદીની પાસે હરિયાળી વચ્ચે લોકો સંગીત અને ભોજન સાથે હળવી ક્ષણો માણતા જોવા મળે છે. સોમનાથ જ્યોતિર્લિંગ આસ્થા અને શ્રદ્ધાનું મહત્વનું કેન્દ્ર છે. સોમનાથ આસપાસ પિકનિક ઉજવવા માટે પણ ઉત્તમ કહી શકાય એવી જગ્યાઓ આવેલી છે. જ્યાં ખળખળ વહેતું પાણી, વૃક્ષોની હરિયાળી, મોરના ટહૂકા અને આથમતાં સૂર્યનું સાન્નિધ્ય એકસાથે માણી શકાય છે.
સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ ઉપરાંત પણ પિકનિક મનાવવાના પાંચ સ્થળો એવા છે. જેમની સુંદરતા આપનું મન મોહી લેશે. પરિવાર અને દોસ્તો સાથે જો આ સ્થળની મુલાકાત લેવામાં આવે તો જિંદગીભરનું યાદગાર સંભારણું સ્મરણપટ પર હંમેશને માટે અંકિત થઈ જશે. તો, હવે જ્યારે પણ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવો ત્યારે પ્રકૃતિના સાન્નિધ્યમાં આવેલા આ પાંચ સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલતાં.