ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તાજેતરમાં જ માધવપુર પાસેના દરિયામાં ડૂબવાથી બે યુવાનોના મોત નિપજ્યા છે.
ગુજરાતમાં એકવાર ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં ચક્રવાતને પગલે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તારીખ 10 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. ખરાબ વાતાવરણના કારણે દરિયામાં માછીમારી કરી રહેલ બોટોને બંદર પર પરત ફરવાની તંત્રએ સૂચના આપી દીધી છે.
- Advertisement -
માધવપુર પાસેના દરિયામાં બે યુવાનોનું ડૂબવાથી મોત
તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ પોરબંદરના માધવપુર પાસેના દરિયામાં બે યુવાનોનું ડૂબવાથી મોત નિપજ્યું છે. દરિયામાં ન્હાવા પડેલા અમદાવાદના બે યુવાનોનું ડૂબવાથી મોત થયું છે. જોકે આ ઘટનાની જાણ થતા જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આથી, સ્થાનિક પોલીસ અને માછીમારો દ્વારા આ મૃતદેહોને બહાર કઢાયા. સંજય ઠાકોર અને આશિષ ઠાકોર નામના બે યુવનોના ડૂબવાથી મોત નિપજ્યાં છે. તમને જણાવી દઇએ કે, આ બંને યુવાનો મિત્રો સાથે દ્વારકાથી સોમનાથ દર્શન માટે જઈ રહ્યાં હતા.
ગઇકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જામ્યો હતો વરસાદી માહોલ
- Advertisement -
મહત્વનું છે કે, હાલ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદી માહોલ જામ્યો છે. જેમ કે, જો વરસાદની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ એકવાર ફરીથી વરસાદ વરસ્યો છે. મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ટીંટોઈ, જીવનપુર અને ઈસરોલ સહિતના પંથકમાં વરસાદ વરસતા લોકોને ઉકળાટથી ભારે રાહત મળી છે. ઘણા લાંબા સમય બાદ જિલ્લામાં વરસાદ પડતા ખેતીને પણ નવું જીવનદાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મોડી રાત્રે ભાવનગરમાં પણ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. દિવસભરના તાપ અને બફારા વચ્ચે લોકોને વરસાદના કારણે ગરમીથી રાહત મળી હતી.
બંગાળમાં લો પ્રેશર સર્જાવાના કારણે રાજ્યમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. એ સિવાય ડાંગ, નર્મદા અને ભરૂચને પણ મેઘરાજા ધમરોળશે. બંગાળમાં લો પ્રેશર થવાના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.
દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.