રાજકોટને વિઝન વગરના નહીં સક્ષમ અધિકારીની જરૂર
PMના આટકોટના કાર્યક્રમમાં પત્રકારોએ નીચે બેસવું પડ્યું
- Advertisement -
સતત બીજી વખત આ અઠવાડિયામાં જિલ્લા વહીવટી તંત્ર વ્યવસ્થા કરવામાં ઉણું ઉતર્યું છે. ગત શનિવારે પણ જ્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટે ઉપાડે રાજકોટના પત્રકારો, ફોટોગ્રાફર અને કેમેરામેનને પાસ સાથે બસમાં આટકોટમાં લઈ જવાયા. પરંતુ ત્યાં જોતા ચોથી જાગીર ગણાતી અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા પ્રેસ મીડિયાના પત્રકારો માટે બેસવાની કોઈ વ્યવસ્થા જ કરવામાં આવી ન હતી. છતા પણ પત્રકારોએ પોતાનું કર્તવ્ય સમજી નીચે બેસીને પણ વડાપ્રધાનના કાર્યક્રમનું સંપૂર્ણ અને સચોટ કવરેજ કર્યું હતું. જ્યારે પત્રકારોએ બેસવાની વાત કરતા એવો જવાબ પણ મળ્યો કે, આગળની ખુરશીઓ હોસ્પિટલમાં આપેલા દાનના દાતાઓ માટે છે ત્યારે પણ જિલ્લા વહીવટી તંત્રના લખણો દેખાઈ આવ્યા હતા જ્યારે અધૂરામાં પુરૂં આટલી જનમેદની વચ્ચે એક જ ટોયલેટ વાન રાખવામાં આવી હતી આમ આ બન્ને ઘટનાઓથી જિલ્લા વહીવટી તંત્રના લોચા જોવા મળે છે કે, તંત્રમાં જ કોઈપણ જાતનું સંકલન થતું નથી કે, આવા કાર્યક્રમો જ્યારે યોજવામાં આવે ત્યારે અધિકારીઓ કોઈ હોમવર્ક કરતા નથી અને ફક્ત જાહેરાત કરીને સંતોષ માની લે છે જ્યારે આવડા મોટા કાર્યક્રમમાં મીડિયાના લોકો માટે કોઈ વ્યવસ્થા ન હોય તો સામાન્ય નાગરિકોની તો વાત જ શું કરવી.
હિરાસર એરપોર્ટ પર ગેરવ્યવસ્થા, પોલીસ-મીડિયાનો વિવાદ
- Advertisement -
ગઈકાલે પણ જિલ્લા વહીવટી તંત્રનો ફિયાસ્કો જોવા મળ્યો. શુક્રવારે મુખ્યમંત્રી હિરાસર એરપોર્ટની સમીક્ષા કરવા આવ્યા હતા. જેની તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રને કરવાની હોય છે ત્યારે પણ વહીવટી તંત્રના વહીવટમાં જ ફિયાસ્કો જોવા મળ્યો. કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના મિસકોમ્યુનિકેશનના કારણે બબાલ સર્જાઈ હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કવરેજ માટે ગયેલા પત્રકારો અને પોલીસ તંત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનું કારણ જિલ્લા વહીવટી તંત્રની બેદરકારી છે. સર્કિટ હાઉસ ખાતેથી માહિતી ખાતાની બસ પત્રકારો અને કેમેરામેનને સીધા જ એરપોર્ટના હેલિપેડ ખાતે લઈ જવાયા હતા. ત્યાં કેમેરામેન અને ફોટોગ્રાફર દ્વારા કવરેજ ચાલુ કરાતા ડીસીપી પ્રવીણકુમાર મીણાએ પોતાના પ્રોટોકલ મુજબ તેમને અટકાવ્યા હતા. જેને લઈને બબાલ શરૂ થઈ હતી. આ મામલો એટલો ગરમાયો હતો કે, મીડિયાકર્મીઓને ડિટેઈન કરવા સુધી પહોંચ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાની વાસ્તવિકતા પર નજર કરીએ તો પત્રકારો તેમનું કવરેજ કરતા હતા અને પોલીસ પ્રશાસન પણ પોતાની ફરજ નીભાવી રહ્યા હતા. પરંતુ આ ભૂલએ જિલ્લા વહીવટી તંત્રની કહેવાય. ખુદ મુખ્યમંત્રી મુલાકાત લેતાં હોય ત્યારે માહિતી ખાતા સાથે સંકલન કરીને વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ ખુદ કલેક્ટર તંત્ર હોમવર્ક કરતું નથી તેવું ઉપસી આવે છે.