મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે, ગુજરાતના ખેડુતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન 2023-24માં લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સહિત સમગ્ર વિશ્વ વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ’ તરીકે ઉજવી રહ્યું ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત ઘઉંની સાથે સાથે ઉનાળુ બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરવાનું નકકી કરાયું છે. રાજયમાં 1લી, એપ્રિલથી 15મી જૂન સુધી કુલ 237 ખરીદ કેન્દ્રો- ગોડાઉન ઉપરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
પ્રવકતા મંત્રી ઋષીકેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના ‘બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન’ દ્વારા જ જથ્થો ખરીદ કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા નકકી કરાયેલા લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોની રાજય સરકારના એફપીપી પોર્ટલ ઉપર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ખેડુતોએ આ માટે 1લી, માર્ચથી એક માસ માટે એટલે કે 31મી માર્ચ 2023 સુધી ઓનલાઈન નોંધણી થઈ શકશે.
- Advertisement -
ખેડુતો ગ્રામ્ય કક્ષાએ વીસીડબલ્યુ મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. ખેડુતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ, ગામ નમુના 7-12 તથા 8-અ ની તાજેતરની નકલ, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિકકા સાથેનો તાજેતરનો દાખલો, બેંક પાસબુક રજૂ કરવાની રહેશે.
કયા ધાન્યથી કયા ભાવે ખરીદી કરાશે?
– ચાલુ વર્ષે ગુજરાતમાં ઘઉંની પ્રતિ કિવન્ટલ રૂા.2125ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂા.425ના ટેકાના ભાવે ખરીદી થશે.
– બાજરીની પ્રતિ કિવન્ટલ રૂા.2350ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂા.470ના ટેકાના ભાવે
– જુવાર (હાઈબ્રીડ’ની પ્રતિ કિવન્ટલ રૂા.2970ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂા.594 જુવાર (માલદંડી)ની પ્રતિ કિવન્ટલ રૂા.2990ના ટેકાના ભાવ એટલે કે પ્રતિ મણ રૂા.598
– રાગીની પ્રતિ કિવન્ટલ રૂા.3578ના ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રૂા.715.60ના ટેકાના ભાવે ખરીદી કરાશે.
આ વર્ષે ટેકાના ભાવે 2.00 લાખ મે. ટન ઘઉં, 50000 મે.ટન બાજરી, 4000 મે.ટન જુવાર (હાઈબ્રીડ) તેમજ જુવાર (માલદંડી) અને 1000 મે.ટન રાગીની ટેકાના ભાવે ખરીદી કરવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે.