ગુલમર્ગ-સોનમર્ગમાં પહાડી વિસ્તારોમાં બરફની ચાદર પથરાઈ
બિહાર-છત્તીસગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
શુક્રવારે કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ. ગુલમર્ગ, સોનમર્ગ અને ગુરેઝના પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય એવા જોવા મળ્યા. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ, જ્યારે શ્રીનગર સહિત અન્ય મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો. હવામાન વિભાગ (ઈંખઉ) એ ગુરુવારે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. જોકે, તે તારીખ પહેલા બરફવર્ષા અને વરસાદ થયો હતો, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન, ભારે વરસાદની શક્યતાને કારણે આજે બિહાર અને છત્તીસગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગએ બિહારના તમામ 38 જિલ્લાઓ અને છત્તીસગઢના 28 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવારે બિહારના ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના પરિણામે દુર્ગા પૂજા પંડાલોમાં 2-3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી માહોલ 6 થી 7 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશના કાંગડામાં આજે સવારે ભારે વરસાદ અને કરા સાથે ભારે વરસાદ પડ્યો. હિમાચલ પ્રદેશના ધૌલાધાર પર્વતમાળામાં ગઈકાલે રાત્રે હળવી બરફવર્ષા થઈ હતી. પરિણામે, ધર્મશાલામાં લઘુત્તમ તાપમાન આજે ઘટીને 14 થી 15 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. બદલાતા હવામાનના કારણે હિમાચલ પ્રદેશમાં ટૂંક સમયમાં શિયાળાની શરૂઆત થશે.
ઓડિશાના ચાર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 13.5 ઈંચ વરસાદ કાલાહાંડી જીલ્લાના થુમુઅલ રામપુરમાં નોંધાયો હતો ત્યારબાદ ગજપતિ જીલ્લાના આર ઉદયગીરી અને ગુમ્મા ખાતે 11 ઈંચ અને 8.30 ઈંચ વરસાદ નોંધાયો હતો. કાલાહાંડીના જૂનાગઢમાં શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં 8.26 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગજપતિ અને ગંજમ જિલ્લામાં ભૂસ્ખલન, પડી ગયેલા વૃક્ષો અને ક્ષતિગ્રસ્ત પુલોના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે બે ડઝનથી વધુ ગામોનો સંપર્ક રાજ્યના બાકીના ભાગથી કપાઈ ગયો છે. ભૂસ્ખલન અને વરસાદી પાણી રેલ્વે ટ્રેક પર વહેવાથી ઓડિશામાં ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.